માંગરોળ, તા. રર
હાલમાં જાપાનના સહયોગથી રાજ્યના અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. જેમાં ર૦રર સુધીમાં ચાર હજાર જેટલા કર્મચારીઓની જરૂરીયાત ઊભી થવાની છે. આ તમામ કર્મચારીઓએ બુલેટ ટ્રેનનું તકનીકી અને વહીવટી જ્ઞાન જાપાનના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કામ કરી મેળવવાનું હોવાથી જાપાનીશ ભાષાની જાણકારી આ કર્મચારીઓમાં હોવી ખૂબ જ આવશ્યક છે. જેનો લાભ આદિજાતિના વિદ્યાર્થીઓ પણ ઊઠાવે તેવા આશયથી માંગરોળની સરકારી વિનયન કોલેજમાં પ્રાથમિક ચરણની જાપાનીશ ભાષાની તાલીમ યોજાઈ હતી. આ તાલીમ વિદેશી ભાષાઓને લગતી સેવાઓ આપતી એચ.એસ.એફ. કંપનીના ડાયરેક્ટર ડૉ. આદિત્ય યાજ્ઞિક દ્વારા વિના મૂલ્યે આપવામાં આવી છે. કોલેજના ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ બે દિવસ સુધી આ તાલીમ મેળવી છે. નવા શૈક્ષણિક સત્રથી બીજા ચરણની સઘન તાલીમનું આયોજન કરવામાં આવનાર છે.