(એજન્સી) તા.૩૦
પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ફરીવાર એકવાર મોંઘું પડ્યું. રાહુલ ગાંધીના આરોપો પર શિવરાજસિંહ ચૌહાણ ભડકી ગયા અને રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રાહુલે જાબુઆમાં એક જનસભામાં કહ્યું હતું કે, પનામા પેપર્સમાં શિવરાજનાં પુત્રનું પણ નામ છે. આ જ વાતને લઈને શિવરાજે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે. મુખ્યમંત્રીના પુત્ર કાર્તિકેયે, રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મુદ્દા પર આજે શિવરાજે કહ્યું કે, જો કોઈ જુનિયર નેતાએ આ પ્રકારનું વર્ણન કર્યું હોય તો એ કોઈ ખાસ વાત નથી પણ કોંગ્રેસનાં પ્રમુખ આવું બોલે એ દુઃ ખદ છે.
પહેલાં તેમણે સોમવારની રાતે એક ટ્‌વીટ કરી હતી, ‘છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસે મારા અને મારા પરિવાર ઉપર આરોપો લગાવ્યા છે. અમે બધાને માન આપીએ છીએ અને મર્યાદા રાખીએ છીએ, પરંતુ આજે તો રાહુલ ગાંધીએ મારા પુત્ર કાર્તિકેયનું નામ પનામા પેપર્સમાં આપીને બધી હદને પાર કરી છે. કાલે જ અમે તેના પર માનહાનિનો કેસ દાખલ કરીશું. મધ્યપ્રદેશના સી.એમ. શિવરાજસિંહની કાનૂની કાર્યવાહીની ચેતવણી પછી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમની વાતમાં પલટબાજી કરી અને આવેદનમાં ફેરફાર કર્યો. અને રાહુલે સફાઈ આપતા કહ્યું કે, સી.એમ.એ ઈ-ટેન્ડરિંગ અને વ્યાપમંમાં કૌભાંડ કર્યું છે.
કોંગ્રેસી અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે આરોપ મૂક્યો હતો કે, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેય ચૌહાણનું નામ પનામા પેપર્સનાં કૌભાંડમાં સામેલ છે. રાહુલ ગાંધીએ પોતાની ભૂલ માનીને કહ્યું કે, ભાજપમાં એટલો ભ્રષ્ટાચાર છે કે, હું કન્ફ્યુઝ થઈ ગયો. મધ્યપ્રદેશના સી.એમ.એ ઈ-ટેન્ડરિંગ અને વ્યાપમંમાં કૌભાંડ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણીઓ થાય છે, રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં ૨ દિવસો પ્રવાસ પર છે. આ દરમિયાન સોમવારના રોજ એક સભામાં સંબોધન કરતા તેમણે શિવરાજસિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેયસિંહ ચૌહાણ પર નિશાન સાંધતા કહ્યું, ‘પનામા પેપર્સ કેસમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના પુત્રનું નામ પણ છે, પરંતુ કોઈ કાર્યવાહી ના કરી, જ્યારે પાકિસ્તાન જેવા દેશોએ આ જ મુદ્દાને લઈને તેમના ભૂતપૂર્વ વડાપ્રધાન (નવાઝ શરીફ)ને દંડ ફટકાર્યો હતો.