અમદાવાદ,તા.૨૦
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાની વાત કરતી ભાજપ સરકારના રાજમાં રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય રહ્યો છે. ત્યારે શહેર થી લઈને સચિવાલય અને ગામ થી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર – હપ્તારાજ ચાલી રહ્યું છે. હેલ્મેટ, સીટબેલ્ટ ના ભંગ બદલ સી.સી.ટી.વી. ફુટેજ આધારે નાગરીકોને મોટો દંડ ફટકારતી ભાજપ સરકારને દારૂ ગુજરાતમાં ક્યાંથી ઠલવાય છે તે ચેકપોસ્ટના સી.સી.ટી.વી. કેમ દેખાતા નથી ? તેવો વેધક પ્રશ્ન સાથે ગુજરાતમાં ઠેરઠેર દારુના બેરોકટોક વેચાણ અને મહેફીલ કાંડ અને નશાબંધી કાયદાના અમલમાં નિષ્ફળતા અંગે મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કરી છે. વધુમાં ડૉ. મનીશ દોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દેશી દારૂ ૧૫,૪૦,૪૫૪ લિટર, વિદેશી દારૂની ૧૨૯,૫૦,૪૬૩ બોટલ, બિયરની ૧૭,૩૪,૭૯૨ બોટલ પકડાઈ છે. જેની કિંમત ૨૫૪,૮૦,૮૨,૯૬૬ થાય છે. પકડાયા કરતા ૧૦૦૦ ગણુ દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે. રાજ્યમાં બે વર્ષમાં ૧,૩૨,૪૧૫ દેશી દારૂના કેસો, ૨૯,૯૮૯ વિદેશી દારૂના કેસો નોંધાયા છે. એટલે કે દૈનિક ૧૮૧ કેસો દેશી દારૂના નોંધાય છે, વિદેશી દારૂના દૈનિક ૪૧ કેસો નોંધાય છે, આ કેસોમાં ૧,૧૦૫ આરોપીઓ છ માસ કરતા વધુ સમયથી અને ૭૬૨ આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી પકડવાના પણ બાકી છે. શાસકપક્ષના આદેશથી સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ અધિકારીઓની મીલીભગતથી ગુજરાતમાં દારૂબંધી એ માત્ર નાટક છે. અને જે અંગે વખતો – વખત લઠ્ઠાકાંડ અને લાખો રૂપિયાના પકડાતા દારૂ તેની ગવાહી છે. કેટલાક પોલીસ અધિકારીઓ અને રીટાયર્ડ પોલીસ કર્મીઓએ પાર્ટી રાખી હોય જેમાં રેડ કરતાં રંગેહાથ કેટલાંકને પોલીસે ઝબ્બે કરી લેવાયા અને કેટલાકને પાછલા દરવાજેથી જવા દેવાયા છે તેવું ચર્ચાય છે. તેની તટસ્થ તપાસ થાય અને ક્રિષ્ના વોટર પાર્કમાં સીસીટીવી કેમેરા હોય તો ફુટેજ મેળવી જવા દેવામાં ક્યા અધિકારીએ ભુમિકા ભજવી તે ગુજરાતની જનતા જાણી શકે. ગુજરાતમાં દારૂબંધી છે તેવું કહેનારા સત્તાધીશોનો પરપોટો ફુટી ગયો છે. મોટર સાયકલોને આકરો દંડ કરતા ઝાંબાંઝ પોલીસ અધિકારીઓએ દારૂડીયાને જવા દીધા હોય તો શરમજનક અને તંત્ર માટે કલંકીત ઘટના છે. મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં દારૂબંધીના ધજ્જીયા ઉડાડતી ઘટનાથી પોલીસ તંત્રનું નાક કપાયું છે. ગુજરાતની જનતાને શિસ્તના પાઠ ભણાવવા અતિ આકરો કાયદો અને અસહ્ય દંડની જોગવાઈ કરી લોકોને સુફિયાણી સલાહ આપતા તંત્ર વાહકો પોતાના તંત્રને સુધારી શકતા નથી. મહાત્મા ગાંધીના ગુજરાતમાં સરકારી કર્મચારીઓ – પોલીસ અધિકારીઓ કાયદા અને નિયમોને છડેચોક ભંગ કરે કે જેના શીરે કાયદાનું પાલન કરવાની જવાબદારી છે. જ્યાં વાડ જ ચીભડા ગળે ત્યાં તંત્ર લોકોને શો સંદેશો આપવા માંગે છે. સરકાર કાયદો અને વ્યવસ્થા પ્રત્યે કેટલી સજાગ છે તેની પોલ આ ઘટના પરથી ખુલી ગઈ છે. સરકારે કાયદાના પાલન માટે ખરેખર જો પરિવર્તન લાવવું હોય તો સૌ પ્રથમ સરકારે અને સરકારના કહ્યાગરા અધિકારીઓએ સુધરવુ પડશે.