(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૪
રાજ્યમાં સરકારી ભરતી માટે યોજાતી પરીક્ષાઓમાં જુદા-જુદા વિભાગો વચ્ચે સંકલનના અભાવે રાજ્યના હજારો વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી જાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. ર૯મી ડિસેમ્બરના રોજ એક સાથે ચાર-ચાર સરકારી ભરતી માટે પરીક્ષા યોજાશે પરંતુ ચારે ચાર પરીક્ષા માટે નિયમ મુજબ ફી ભરી અરજી કરનાર વિદાર્થીઓ કોઈ એક જ પરીક્ષા આપી શકશે. રાજ્યના ત્રણ લાખ જેટલા યુવાન યુવતીઓના ભવિષ્ય માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી તમામ યુવાનોને પરીક્ષા આપવાની તક મળે તેવી માંગ કરતા કોંગ્રેસ નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૨૯ ડિસેમ્બરે કાર્યાલય અધિક્ષક અને કચેરી અધિક્ષક અને અધિક્ષકની બે પરીક્ષાઓ લેવાશે. જેમાં દોઢ લાખ ઉમેદવારોએ અરજી કરી છે. ૨૯ ડિસેમ્બરે રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા લેવાશે. જેમાં ૯૪૪૬૪ ઉમેદવારોએ અરજી કરી છે વડોદરા એમ એસ યુનિવર્સિટી દ્વારા GSLET-૨૦૧૯ની પરીક્ષા પણ ૨૯ ડિસેમ્બરે યોજાશે. ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ કાર્યાલય અધિક્ષક (વર્ગ-૩) જાહેરાત ક્રમાંક ૧૪૨/૨૦૧૭-૧૮ ની પરીક્ષા તા. ૨૯-૧૨-૨૦૧૯ સમય : ૩ થી ૫ કલાકે જેમાં ૬૦,૦૦૦ જેટલા પરીક્ષાર્થીઓ ભાગ લેશે. ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ કચેરીઓમાં કચેરી અધિક્ષક / કાર્યાલય અધિક્ષક / અધિક્ષક જાહેરાત ક્રમાંક ૧૪૩/૨૦૧૭-૧૮ પરીક્ષા તા. ૨૯-૧૨-૨૦૧૯ સમય : ૧૧ થી ૨ કલાક જેમાં ૯૦,૦૦૦ જેટલા પરીક્ષાર્થીઓ ભાગ લેશે. રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર કલાર્કની જાહેરાત ક્રમાંક ૨/૨૦૧૮ પરીક્ષા તારીખ ૨૯-૧૨-૨૦૧૯ પરીક્ષા સમય : ૨ થી ૪ જેમાં ૯૪,૪૬૪ પરીક્ષાર્થીઓ ભાગ લેશે. ઉપરોક્ત ત્રણેય પરીક્ષામાં સ્નાતક, અનુસ્નાતક અને વધુ ઉચ્ચ અભ્યાસ કરનાર ગુજરાતના યુવાનો પોતાને તક મળે તે માટે બબ્બે વર્ષથી આવેલ જાહેરાત અન્વયે મહેનત કરતા હોય છે. તમામ, પરીક્ષા માટે જરૂરી ફી ના નાણાં સાથે કોચિંગ કલાસ, મટિરિયલ્સ, હોસ્ટેલ ફી, પી.જી. ચાર્જ સહિત સમય, શક્તિ અને નાણાંનો ખર્ચ કરતા હોય છે. આ સંજોગોમાં ગુજરાતના યુવાનોને તેમની શૈક્ષણિક લાયકાત અન્વયે તમામ પરીક્ષા આપવાની તક મળે તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. ગૌણ સેવા પસંદગી મંડળ, પરીક્ષા લેવાની જવાબદારી હોય ત્યારે તા. ૨૯-૧૨-૨૦૧૯ ના રોજ ૧૧ થી ૧ અને ૩ થી ૫ સમયમાં અલગ અલગ પરીક્ષા કેન્દ્રો, અલગ અલગ જગ્યાએ બે કલાકમાં કઈ રીતે પહોંચવુ તે મોટો પ્રશ્ન છે. જ્યારે, કૃષિ યુનિવર્સિટી માટે જુનિયર કલાર્કની પરીક્ષાનો સમય તા. ૨૯-૧૨-૨૦૧૯ના રોજ ૨ થી ૪ કલાકે છે. ઉપરોક્ત સ્થિતિમાં, રાજ્ય સરકારે ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે શૈક્ષણિક લાયકાત અન્વયે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની વધુમાં વધુ તક મળે તે માટે તાત્કાલીક નિર્ણય કરવા અને ભવિષ્યમાં આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે વહીવટીતંત્ર અને પરીક્ષા લેનાર એજન્સી વચ્ચે પુરતું સંકલન-આયોજન થાય તે અંગે ઘટતું કરવા ગુજરાત યુવાનો માટે કોંગ્રેસપક્ષની માંગણી છે.