અમદાવાદ,તા.૧
રાજ્ય સરકારના કોઈપણ કર્મચારી કે મંત્રી મંડળના સભ્યો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાને બદલે અન્ય હોસ્પિટલમાં સારવાર લે તો તે સંજોગોમાં સરકાર નિયમ મુજબ જે તે તબીબી સારવાર સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી તેવું પ્રમાણપત્ર મેળવવુંં પડે છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખાનગી હોસ્પિટલમાં લીધેલી સારવાર અંગે આવું પ્રમાણપત્ર મેળવ્યું છે ! તેવો વેધક પ્રશ્ન કોંગ્રેસે કર્યો છે. ગુજરાતના મંત્રીમંડળના મંત્રી પ્રદીપસિંહ જાડેજા કેન્સરની સર્જરી માટે ખાનગી હોસ્પિટલમાં અને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ ઘૂંટણની સર્જરી માટે રાજ્ય બહાર ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે, સમગ્ર દેશમાં ગુજરાત ઘૂંટણની સર્જરીમાં અગ્રીમ રાજ્ય છે. ત્યારે રાજ્યના મંત્રીમંડળના વરિષ્ઠ સભ્ય અને ખાસ કરીને આરોગ્ય મંત્રી ખાનગી હોસ્પિટલમાં રાજ્ય બહાર સારવાર કરાવે તે જ દર્શાવે છે કે, રાજ્યની સરકારી સિવિલ હોસ્પિટલો અને સામુહિક-પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાર્યરત અનુભવી ડોક્ટરો અને આરોગ્ય વ્યવસ્થા પર શું સરકારને જ વિશ્વાસ નથી ? તેવો પ્રશ્ન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ કર્યો છે તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારનું આરોગ્ય પાછળ દર વર્ષે કરોડો રૂપિયાની જાહેરાતો કરે છે. રાજ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલ, અમદાવાદ એશિયા ખંડની મોટામાં મોટી હોસ્પિટલ છે. સિવિલ કેમ્પસમાં કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયૂટને ભારત સરકારે ઉત્તમ તબીબી સારવારનું પ્રમાણપત્ર આપ્યું છે. કીડની ઇન્સ્ટીટયુટ અને હૃદય રોગની સારવાર માટે યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ ઓછા ખર્ચમાં ઉત્તમ સારવાર માટે જાણીતી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ઘૂંટણની સર્જરી માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર લે, રાજ્યના તત્કાલીન મંત્રી લીલાધર વાઘેલા ક્રીટીકલ બાયપાસ માટે, આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા તબીબી સારવાર માટે યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ થયા હતા, અને આવા અનેક મહાનુભાવોએ સરકારી સિવિલ હોસ્પિટલોમાં સારવાર લઇને સામાન્ય નાગરિકને પણ વિશ્વાસ ઉભો થાય તે રીતે તબીબી સારવાર મેળવી હતી.
મુંબઈ ખાતે બ્રીચકેન્ડી હોસ્પિટલ કે જ્યાં, મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર સારવાર લે છે જેનો ખર્ચ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ લીધેલી મોંઘી સારવારનો ખર્ચ કોણ ભોગવશે ? સરકારના મંત્રીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈને રાજ્યમાં આરોગ્ય સેવાની સ્થિતિ શું છે તે સામે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.