અમદાવાદ, તા.૭
રાજ્યની કોંગ્રેસ પક્ષની ચૂંટાયેલા જિલ્લા-તાલુકા પંચાયતો નિષ્ઠાપૂર્વક પ્રજાલક્ષી કામગીરી કરી રહી છે ત્યારે રોજ નવા-નવા ફતવાઓ દ્વારા ગેરબંધારણીય રીતે ભાજપ પ્રજાલક્ષી કાગમીરી વિક્ષેપ અને અવરોધો ઊભો કરી રહી હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ કર્યોછે.
રાજ્યની ૩૩ જીલ્લા પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ૨૩ જેટલી જીલ્લા પંચાયત પર ભવ્ય વિજય અને ભાજપાનો કારમો પરાજય થયો હતો. જીલ્લા પંચાયતો-તાલુકા પંચાયતોમાં કારમાં પરાજયથી બેબાકળી, હતાશ-નિરાશ ભાજપા સરકાર વારંવાર પંચાયતી રાજના કાયદાનું ઉલ્લંઘન કરીને કોંગ્રેસ પક્ષની જીલ્લા-તાલુકા પંચાયતોને પ્રજાલક્ષી કામગીરીમાં અવરોધ-આડખીલી ઉભી કરી રહ્યાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં પંચાયતીરાજના ત્રીસ્તરીય માળખા માટે ગુજરાત આદર્શ રાજ્ય ગણાતું હતું. સ્વ.બળવંતરાય મહેતાના નેતૃત્વમાં સમગ્ર દેશને પંચાયતી રાજ અંગે ગુજરાતે દિશા બતાવી હતી. કમનસીબે, ગુજરાતની ભાજપ સરકાર સત્તાના અહંકારમાં લોકતાંત્રિક રીતે વિજય મેળવેલ કોંગ્રેસ શાસિત જીલ્લા-તાલુકા પંચાયતોમાં વહીવટી અધિકારીઓના માધ્યમથી સતત વિક્ષેપ ઉભો કરી રહી છે. પંચાયતી રાજ કાયદાનુસાર જીલ્લા પંચાયતોની ગ્રામિણ વિકાસ-પ્રજાલક્ષી કામગીરી-સત્તા સુનિશ્ચિત કરવામાં આવી હોવા છતાં ભાજપા સરકાર ગ્રામ્ય વિરોધી નીતિના કારણે ગ્રામ્ય વિકાસ રૂંધવાનો સતત પ્રયાસ કરી રહી છે.
રાજ્યની કોંગ્રેસ પક્ષની ચૂંટાયેલી જીલ્લા પંચાયતો નિષ્ઠાપૂર્વક પ્રજાલક્ષી કામગીરી કરી રહી હોય તેવા સમયે રોજ નવા નવા ફતવાઓ દ્વારા ગેરબંધારણીય વિક્ષેપ ઉભો કરવામાં આવી રહ્યો છે. તાલુકા પંચાયત-જીલ્લા પંચાયતમાં પ્રજાના ભવ્ય જન સમર્થન-જન આશીર્વાદ મેળવનાર કોંગ્રેસ પક્ષને પ્રજાલક્ષી કામ કરતાં રોકીને ભાજપાએ તેનો નકારાત્મક અને ગ્રામ્ય વિરોધી ચહેરો ખુલ્લો કર્યો છે. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલ કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયતો-તાલુકા પંચાયતો તોડવા માટે-અસ્થિર કરવા કામ કરતા અટકાવવા વહીવટીતંત્રના સતત દુરુપયોગ કરનાર ભાજપા સરકારમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. ત્યારે લોકતંત્રમાં કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયતોને તોડવા-અસ્થિર કરવા માટે કામગીરી કરવાને બદલે ભાજપા પ્રજાલક્ષી કામગીરી કરે.