અમદાવાદ, તા.૧૮
રાજ્ય સરકાર દ્વારા વિજચોરીના નાણા માફ કરવાની મોટી મોટી જાહેરાત પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં ભાજપાના કારમા પરાજયથી રઘવાઈ ગયેલ, બેબાકળી ભાજપ સરકાર જસદણની પેટા ચૂંટણીમાં શાખ બચાવવા મજબૂર થઈને વીજચોરીના નાણા માફ કરવાની ‘લોલીપોપ’ જાહેર કરી છે. વિજચોરી અંગે વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે અનેક જૂના કેસોમાં વડી અદાલતમાં કાનૂની લડત ચાલી રહી છે. ત્યારે, આ વિજચોરીના નાણા માફ કરવાની જાહેરાત માત્રને માત્ર જસદણ પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈને ઉતાવળે કરવામાં આવી છે.
• રાજ્યમાં કેટલા ખેડૂતોએ વીજ કનેક્શન માટે અરજી કરી છે ? કેટલા વર્ષથી રાહ જોઈ રહ્યા છે ?
• રાજ્યમાં સરકારી વીજ કંપનીઓના છેલ્લાં ૧૫ વર્ષમાં વીજ ઉત્પાદનમાં કેમ ઘટાડો થતો જાય છે ?
• રાજ્યમાં ખેડૂતોને ૬-૮ કલાક વીજ પુરવઠો કેમ રાત્રે જ અપાય છે? દિવસે કેમ નહિ ?
• રાજ્યમાં ખાનગી વીજ કંપનીઓને કરોડો રૂપિયાના નફાખોરી માટે કેમ ભાજપ સરકાર મદદ કરી રહી છે ?
• રાજ્યમાં સસ્તી વીજળી ઉપલબ્ધ હોવા છતાં મળતિયા-ખાનગી વીજ કંપનીઓ પાસેથી કેમ મોંઘી વીજ ખરીદી કરવામાં આવે છે ? તેનો ભાજપ સરકાર જવાબ આપે.