અમદાવાદ, તા.૧૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતરોજ જૂનાગઢમાં યોજાયેલી જાહેરસભામાં ગીરનાર રોપ-વેની મંજૂરી અંગે કરેલું ઉચ્ચારણ અર્ધસત્ય અને જુઠ્ઠાણા સમાન છે. ખરેખર ગીરનાર રોપ-વે માટે વન પર્યાવરણ ર૭ સપ્ટેમ્બર ૧૯૯૪ની દરખાસ્તને મંજૂરી અને કોંગ્રેસ પક્ષની સરકારમાં વન મંત્રાલય દ્વારા ૭ ફેબ્રુઆરી ર૦૧૧ના રોજ ગીરનાર રોપ-વેની છ શરતોને આધીન મંજૂરી આપવામાં આવી હતી.
ભારત સરકારની વન પર્યાવરણ મંત્રાલયના દસ્તાવેજી પુરાવાના આધારે જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સોરઠ પંથકના વિકાસના નામે ૬૦૦ કરોડ, સદભાવના ઉપવાસ સમયે કરોડો રૂપિયાની જાહેરાત છતા આજે, હકીકતમાં ગીરનાર-જુનાગઢ કોક્રીટનું જંગલ બની ગયું છે. વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી સમયે ૯ નવેમ્બરે રોપવે શરૂ થઈ જશે. તેવી વાત કરી હતી પણ આજે દોઢ વર્ષ છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી. એશિયા ખંડની આન-બાન અને ગુજરાત પ્રદેશ-ભારત દેશના ગૌરવસમા ડાલમથ્થા સિંહ – એશિયાટિક લાયનના સંવર્ધન જાળવણીમાં ભાજપ સરકાર સદંતર ઉણી ઉતરી છે. ગીરના જંગલમાં ગેરકાયદેસર રિસોર્ટથી સિંહના જીવન પર મોટી ગંભીર અસરો થઇ છે. પર્યાવરણને ભારે નુકસાન કરવાની, ગેરકાયદેસર સતત ખનન, ગેરકાયદેસર લાયન શો જેવી પ્રવૃત્તિઓ ભાજપ સરકારના આશીર્વાદથી સમગ્ર વન્યવૃષ્ટિ જોખમમાં મુકાઈ છે. સોરઠ પંથક સહિત સૌરાષ્ટ્રને સતત અન્યાય કરવાની ભાજપ સરકારની નીતિથી સ્થાનિક નાગરિકો આક્રોશ અજંપો અનુભવી રહ્યા છે. દેશના પ્રધાનમંત્રી ચૂંટણી પ્રચારમાં ખરેખર સ્થાનિક પ્રશ્નો, ખેડૂતોને સતત આર્થિક પાયમાલી અને તકલીફો અંગે કેમ મૌન ? તેવો વેધક પ્રશ્ન પૂછતાં ડૉ.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડ અને મુખ્ય સુત્રધારો ભાજપના મળતિયાઓ ગોડાઉનમાં લાગેલી આગ, કૌભાંડનું એપી સેન્ટર જુનાગઢ તેમ છતાં પ્રધાનમંત્રી મૌન કેમ ? ગુજરાતના ૧૬૦૦ કિમીના દરિયા કિનારા માટે અનેક વખત મોટી મોટી જાહેરાતો છતાં હકીકતમાં દરિયા કિનારે વસતાં પરિવારોને જીવન જીવવાનું મુશેકલ બની ગયું છે અને દરિયાના અનેક ભાગો ઉદ્યોગપતિઓના હવાલે કરી દેવામાં આવ્યા છે. માછીમારો માટે અનેક વખત રજૂઆત છતાં ૨૩ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર માછીમારોને સતત અન્યાય કરીને માછીમારોના હક્ક-અધિકાર છીનવી રહી છે. સોરઠ પંથક સદભાવના પેકેજ, વનબંધુ પેકેજ, જેવા કરોડો રૂપિયાના જુમલાથી સત્તા મેળવનાર વડાપ્રધાનશ્રી સોરઠ અને ગુજરાતની જનતા સાથે ફરી એક વખત મત મેળવવા જુમલાબાજી કરી રહ્યા છે.