(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૭
લોકસભાની ચૂંટણી માટે વિવિધ રાજ્યોમાં પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો છે. ગુજરાતની કોંગ્રેસના નેતાઓ પણ વિવિધ રાજ્યોમાં જઈ ભાજપ અને મોદી સરકાર પર પસ્તાળ પાડી રહ્યા છે તો સાથે સાથે યુપીએ-૧ અને યુપીએ-ર સરકારે કરેલા કાર્યોથી લોકોને અવગત કરાવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશી હાલ મધ્યપ્રદેશના પ્રવાસે છે. જ્યાં તેમણે પત્રકાર પરિષદને સંબોધન કરી કેન્દ્રની મોદી સરકારની ઉદ્યોગપતિઓ તરફી અને પ્રજા વિરોધી નીતિઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
ગતરોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે અને આજરોજ ઈન્દોર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશમાં બેરોજગારીનો પર્યાય બની ગઈ છે. યુવાનોની આશા અને ભવિષ્યને બરબાદ કરવાનું કામ આ સરકારે કર્યું છે. મોદી સત્તા પર આવ્યા ત્યારે દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાના મસમોટા બણગાં ફૂંક્યા હતા. પરંતુ અત્યારે બેરોજગારીનો દર છેલ્લા ૪પ વર્ષમાં સૌથી મહત્તમ સપાટીએ છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઓફ ઈન્ડિયન ઈકોનોમીના અહેવાલ મુજબ અત્યારે ભારતમાં બેરોજગારી ૭.ર ટકા છે. જ્યારે કેન્દ્ર સરકારના નેશનલ સેમ્પલ સર્વે મુજબ બેરોજગારી ૬.૧ ટકા છે. યુવાનોનો બેરોજગારીનો દર ૧૩થી ર૭ ટકા સુધી છે. નોટબંધીએ દેશના ઈતિહાસનું સૌથી મોટું આર્થિક કૌભાંડ છે. આ નોટબંધીના ગોટાળામાં દોઢ કરોડ લોકોની નોકરી છીનવાઈ ગઈ હતી અને જે બાકી હતું તે જીએસટીએ પૂરું કરી નાખ્યું. નાના ધંધા રોજગાર ખતમ કરી નાખ્યા છે. હાલ દેશમાં દર વર્ષે ૧ર૦ લાખ નોકરીની જરૂરિયાત છે. ડો.મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ જો સત્તા પર આવશે તો ખાલી જગ્યાઓ ભરી ૧૦ લાખ યુવાનોને રોજગારી આપશે. મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે યુવા સ્વાભિમાન યોજના અંતર્ગત ૧ લાખ યુવાનોને રોજગાર તાલીમમાં જોડ્યા છે. હાલ દેશની સૌથી મોટી પીડા, સૌથી મોટી ભાવના, સૌથી મોટી લાચારી બેરોજગારી છે પરંતુ હાલની સરકાર ચૂંટણી ભાવનાત્મક મુદ્દા પર લડી રહી છે. જ્યારે કોંગ્રેસ માટે ચૂંટણી જીતવા કરતા દેશ બચાવવાનો મુદ્દો મોટો છે. કોંગ્રેસની સરકાર આવશે તો અમારો એજન્ડા કોઈ ભાવના આધારિત નહીં પરંતુ બેરોજગારીને રોજગારીમાં બદલવા આધારિત હશે. કોંગ્રેસના પ્રવક્તાએ પત્રકાર પરિષદમાં ખેડૂતોના પ્રશ્નો, પર્યાવરણ પરનું જોખમ, ગાય સાથે જોડાયેલી હિંસા, રૂપિયાનું અવમૂલ્યન, જીએસટીનો આડેધડ અમલ, મોંઘવારી વગેરે મુદ્દે મોદી અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.