(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૦
ગત તા.ર૯/૭/ર૦૧૮ના રોજ યોજાયેલી માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષામાં રાજ્યવ્યાપી કૌભાંડ બાદ શિક્ષણ વિભાગને આખરે ટાટની પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના ચિલોડા નજીકની હોટલમાં ટાટની પરીક્ષા આપનારા ઉમેદવારને રાખવામાં આવ્યા હતા. આ અંગે ૭૦ દિવસ જેટલો સમય પછી પણ તપાસ નહીં કરીને રાજ્યવ્યાપી કૌભાંડ અંગે શિક્ષણ વિભાગ કોને બચાવી રહ્યું છે ?
માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષાનું પ્રશ્નપત્ર સમય પહેલા એટલે કે, વહેલી સવારથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી ફરતું થયું હોવાની વ્યાપક ફરિયાદ મળી હતી. આ અંગે પરીક્ષાર્થીઓએ તથા જાગૃત નાગરિકો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ, મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને તા.૦૮/૦૮/૨૦૧૮ ના રોજ પત્ર લખી તટસ્થ તપાસ માટે માંગણી કરી હતી. રાજ્યના હજારો યુવાન-યુવતીઓ કે જેમણે ટાટની પરીક્ષા આપી હતી તેઓએ વારંવાર રાજ્ય પરીક્ષા બોર્ડમાં અને શિક્ષણ વિભાગમાં વ્યાપક પણે ગેરરીતી અંગે રજૂઆત કરી જેના પરિણામે ૭૦ દિવસ પછી અરવલ્લી પોલીસે તપાસ કરીને પેપર ફૂટી ગયાનું સંપૂર્ણ સત્ય જણાતા એફ.આઈ.આર. નોંધીને ગુન્હો દાખલ કરેલ છે.
માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષાના પેપર લીકની ઘટનાથી મહેનત કરીને શિક્ષક તરીકે પ્રમાણિક પ્રયત્નોથી કારકિર્દી ઘડવા માંગતા હજારો યુવાન-યુવતીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. ટેટ-ટાટની પરીક્ષામાં ગેરરીતી અંગે વારંવાર ફરિયાદો મળી રહી છે. જે ઘણી જ ગંભીર બાબત છે. અનેક યુવાન-યુવતી કે જેઓ પરીક્ષા આપેલ છે તેઓએ પેપર લીક પાછળ લાખો રૂપિયાના નાણાકીય વ્યવહારની ફરિયાદો કરી છે. ટાટની પરીક્ષાનું પેપર રૂા.૫ લાખથી રૂા.૮ લાખમાં વેચાયાની અનેક જગ્યાએથી મોબાઈલ નંબર સાથે ડીટેઈલ ફરિયાદ છતાં હજુ સુધી કોઈ પગલાં ભરાયા નથી.
વર્ષ-૨૦૧૪માં ૧૫૦૦ તલાટીની ભરતીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હતું. અને વ્યાપક ફરિયાદ બાદ ૪ જુલાઈ, ૨૦૧૫ના રોજ ભાજપ સરકારને ના છૂટકે ભરતી રદ્દ કરવાની ફરજ પડી હતી. રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી મંડળમાં છેલ્લા ૧૦ વર્ષમાં મોટા પાયે આર્થિક વ્યવહારથી ભરતીમાં કૌભાંડો આચરવામાં આવ્યા છે. ભાજપ શાસનમાં મોટા ભાગની સરકારી નોકરીઓમાં ગેરરીતી અને આર્થિક વ્યવહાર દ્વારા ભરતી કૌભાંડ કરવામાં આવે છે. તલાટી કાંડ બાદ રાજ્યમાં શિક્ષક ભરતી કૌભાંડ પણ ઘણું મોટું અને વ્યાપક છે. ટાટની પરીક્ષામાં પેપર ફૂટી જવાની રાજ્યવ્યાપી કૌભાંડ-ઘટના અને આર્થિક લેવડ-દેવડની મોટા પાયે ફરિયાદ અંગે રાજ્ય સરકાર તાત્કાલિક તટસ્થ તપાસ કરાવે અને સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથા સામે સખત પગલાં ભરે તેવી માંગ કોંગ્રેસે કરી છે.

૧. અરવલ્લી પોલીસે તપાસ કરી તો પછી રાજ્યવ્યાપી કૌભાંડ અંગે ગાંધીનગર હદ્દમાં આપેલી ફરિયાદ અંગે ગાંધીનગર પોલીસ કેમ તપાસ કરતી નથી ?
૨. ગાંધીનગર જિલ્લાના ચિલોડા નજીકની હોટેલમાં ટાટની પરીક્ષા આપનારને રાખવામાં આવ્યા હતા તે અંગે ૭૦ દિવસ જેટલો સમય પછી પણ તપાસ નહિ કરી શિક્ષણ વિભાગ કોને બચાવી રહ્યું છે ?
૩. ટાટના પરીક્ષાર્થીઓ અને જાગૃત નાગરિકોએ મોબાઈલ નંબર, ગેરરીતીના સ્થળો સહિતની માહિતી આપ્યા છતાં આજ દિન સુધી સીસીટીવી ફૂટેજ કેમ એકત્ર કરવામાં આવ્યા નથી ?
૪. શિક્ષણના વ્યાપક હિતમાં જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા ટકી રહે તે માટે રાજ્ય સરકાર કેમ તટસ્થ તપાસ કરતી નથી ?