(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૪
દિલ્હી પોલીસે આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને જામિયા હિંસામાં કથિત ગેરમાર્ગે દોરનાર ટ્‌વીટ સંદર્ભે ક્લિનચીટ આપી છે. એમની ઉપર આક્ષેપ હતો કે ૧પમી ડિસેમ્બરના રોજ જામિયામાં થયેલ હિંસા બાબત એમણે ગેરમાર્ગે દોરનાર ટ્‌વીટ કર્યું હતું પણ દિલ્હી પોલીસે જણાવ્યું કે, એમણે ફકત પોતાનો પોલીસ વિરૂદ્ધ અભિપ્રાય આપ્યો હતો. દિલ્હી પોલીસે એકશન ટેકન રિપોર્ટમાં જણાવ્યું કે, સિસોદિયા સામે દાખલ થયેલ ફરિયાદ સંદર્ભે તપાસ કર્યા પછી અમને જણાવ્યું કે, એમણે ફકત દિલ્હી પોલીસ વિરૂદ્ધ આક્ષેપો કર્યા હતા જેથી એમની સામે કોઈ ગુનો બનતો નથી. સિસોદિયાએ વીડિયો ક્લિપ ટાંકીને પોતાનો અભિપ્રાય આપ્યો હતો જે ક્લિપો ન્યૂઝ ચેનલોમાં દર્શાવાતી હતી જેથી ટ્‌વીટોના આધારે કોઈ કોગ્નિઝેબલ ગુનો બનતો નથી. આ મહિનાની શરૂઆતમાં વધારાના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે દિલ્હી પોલીસને સૂચના આપી હતી કે, એકશન ટેકન રિપોર્ટ રજૂ કરે. એક વકીલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી માગણી કરી હતી કે સિસોદિયા સામે એફઆઈઆર નોંધવામાં આવે. ૧પમી ડિસેમ્બરે જામિયાનગરમાં સીએએ વિરૂદ્ધ થયેલ પ્રદર્શનો દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. જેમાં અમુક બસોને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનાના વીડિયો ન્યૂઝ ચેનલોમાં બતાવાયા હતા. જેને ટાંકી સિસોદિયાએ ટ્‌વીટ કર્યું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે, સિસોદિયા ખોટી માહિતી આપી હિંસા ભડકાવી રહ્યા છે જેથી લોકોના મનમાં શંકાઓ થઈ રહી છે. એ માટે એમની સામે ઈપીકોની કલમ ૧પ૩, પ૦૪ અને પ૦પ હેઠળ એફઆઈઆર નોંધવા માગણી કરી હતી.