(એજન્સી) તા.૨૪
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમા પર માળા અર્પણ કર્યા બાદ તેમને નમન કર્યુ. જોકે આશ્રમની વિઝિટર બુકમાં મહાત્મા ગાંધીનો ઉલ્લેખ ન કરવા પર કોંગ્રેસે ટ્રમ્પ સામે સવાલો ઊભા કર્યા હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ કહ્યું કે વિઝિટર બુકમાં ટ્રમ્પે મહાન મહાત્મા ગાંધીનો ઉલ્લેખ ન કર્યો. તેમણે આ દરમિયાન સવાલ કર્યો કે શું તે જાણે છે કે મોહનદાસ કરમચંદ ગાંધી કોણ હતા ? તિવારીએ આ નોટનો એક સ્નેપશોટ પર પોસ્ટ કર્યો હતો. અગાઉ તિવારીએ ટ્રમ્પના પ્રવાસ અંગે એક પછી એક ટિ્‌વટ કરી હતી. તેમણે કહ્યું કે ભારત એક વ્યૂહાત્મક ભાગીદારને બદલે ફક્ત એક એવો ખરીદાર બની ગયો છે જેને કોઈ ખાસ દરજ્જો પ્રાપ્ત નથી. ટ્રમ્પના પ્રવાસથી ફક્ત હથિયાર બનાવતી કંપનીઓને જ ફાયદો થશે. પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ તેમની ટિ્‌વટમાં લખ્યું કે ભારત અને રણનીતિક ભાગીદારને બદલે ફક્ત એક એવો ભાગીદાર બની ગયો છે જેને હવે કોઈ ખાસ દરજ્જો પ્રાપ્ત નથી. ભારતની અફઘાન શાંતિ પ્રક્રિયામાં કોઈ ભૂમિકા નથી. ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રવાસથી ફક્ત હથિયાર બનાવતી કંપનીઓને જ લાભાન્વિત થશે. તિવારીએ લખ્યું કે ટ્રમ્પના પ્રવાસથી બોઈંગ, લોકહીડ માર્ટિન, જનરલ એટોમેક્સિ અને મોતના સોદાગરોને જ ફાયદો થશે. કોંગ્રેસે કહ્યું કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે તેમના ત્રણ વર્ષના કાર્યકાળમાં વૈશ્વિક બહુપક્ષીય સમજૂતીઓથી પીછેહઠ કરી ચૂક્યા છે. અમેરિકાએ નજીકના સહયોગીઓને અપમાનિત કર્યા છે. તે વિઝન કરતાં સમજૂતીઓને વધુ મહત્ત્વ આપે છે.