(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ચૂંટણી સીઝનમાં પૂર્ણ બજેટ રજૂ થવાની અટકળો પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જો સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે તો આ બંધારણ, લોકતંત્ર અને સાત દશકાઓની પરંપરાનું અપમાન થશે. કોઈ સરકારને છ પૂર્ણ બજેટ રજૂ કરવાનો અધિકાર હોતો નથી. કારણ કે જનાદેશ તેની પરવાનગી આપતો નથી. મનીષ તિવારીએ જણાવ્યું કે, આ સરકાર પોતાના પાંચ પૂર્વ બજેટ રજૂ કરી ચૂકી છે. મોદી સરકાર માત્ર ૪૬ દિવસના કાર્યકાળ માટે ૩૧પ દિવસનું બજેટ રજૂ નથી કરી શકતી. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ જણાવ્યું કે, મોદી સરકાર લોકઆકર્ષિત વચનો માટે પૂર્ણ બજેટ રજૂ કરવા ઈચ્છે છે. આ સંપૂર્ણ પણે ખોટું છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની માંગ છે કે મોદી સરકાર માત્ર અનુદાન માંગ રાખે, જેથી લોકતંત્ર અને પરંપરાનું ઉલ્લંઘન ના થાય. તિવારીએ જણાવ્યું કે, વર્તમાનપત્રો અને ટીવી ચેનલોની રિપોર્ટથી લાગી રહ્યું છે કે, સરકાર પૂર્ણ નાણાકીય બજેટ રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકારની પાસે એવું કરવાનો નૈતિક અને બંધારણીય અધિકાર નથી. મનીષ તિવારીએ જણાવ્યું કે, ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાઓને જોવી જોઈએ.
અમેરિકામાં સારવાર કરાવી રહેલા નાણાંમંત્રી અરૂણ જેટલી અંગે આ અંદાજ લગાવવામાં આવી રહ્યા હતા કે તેઓ આ વર્ષે બજેટ રજૂ નહીં કરે, પરંતુ સરકાર સાથે સંકળાયેલા ઉચ્ચ સૂત્રો મુજબ તેઓ પેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરવા માટે ભારત પરત ફરશે. નાણાંમંત્રી અરૂણ જેટલી કિડની સંબંધી પોતાની બિમારીની તપાસ માટે અમેરિકા ગયા છે. જેટલીનું પાછલા વર્ષે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું, ત્યાર પછી તેઓ આ વખત નિયમિત તપાસ માટે અમેરિકા ગયા છે. તેમના અમેરિકા રવાના થયા પછી આ સવાલ થવા લાગ્યા હતા કે તેઓ બજેટ દરમ્યાન હાજર હશે કે નહીં ? પાછલા વર્ષ ૧૪ મેં ર૦૧૮એ ૬૬ વર્ષીય જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. ત્યારબાદ તેમની આ પ્રથમ વિદેશ યાત્રા છે. તેમને પાછલા વર્ષ એપ્રિલમાં એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ ડાયાલિસીસ પર હતા અને પછી તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી. જેટલીની ગેરહાજરીમાં નાણાંમંત્રાલયની વધારાની જવાબદારી રેલમંત્રી પીયુષ ગોયલને સોંપવામાં આવી હતી. જેટલી ર૩ ઓગષ્ટ ર૦૧૮એ પરત નાણાં મંત્રાલય સંભાળવા પહોંચ્યા હતા.