(એજન્સી) કોઝીકોડ, તા.ર૧
કોઝીકોડેના મુથલાક્કુલમ ખાતે સેંકડો મુસ્લિમો રમઝાનના ઉપવાસ હોવા છતાં વિરોધ પ્રદર્શનોમાં રાત-દિવસ જોડાયા હતા. પેલેસ્ટીનીઓના સમર્થનમાં અને ઈઝરાયેલ દ્વારા કરાતા અત્યાચારો સામે વિરોધ પ્રદર્શનો કરવા લોકો ભેગા થયા હતા. હાલમાં ગાઝા ખાતે ઈઝરાયેલના સૈન્ય હુમલાથી ૬૦થી વધુ લોકોના મોત થયા હતા અને સેંકડો ઘવાયા હતા. નકબાની ૭૦મી વરસી નિમિત્તે ભાઈચારો દર્શાવવા સોલિડેરિટી યુથ મૂવમેન્ટે કાર્યક્રમ યોજ્યો હતો. ૧૯૪૮માં જ્યારે ઈઝરાયેલની રચના થઈ તે વખતે લાખો પેલેસ્ટીનીઓને ઘરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. લોકોએ ઈઝરાયેલ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યક્રમમાં સંબોધન કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયરે કહ્યું કે ઈઝરાયેલ દ્વારા કરાયેલ હુમલાને વખોડવા ભારત સરકારે ઈન્કાર કર્યો હતો જે શરમજનક બાબત છે. એમણે કહ્યું કે, બ્રિટનના વડાપ્રધાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પણ ઈઝરાયેલ દ્વારા આચરાયેલ હિંસાને તીવ્ર શબ્દોમાં વખોડી હતી પણ મોદી સરકાર આ અત્યાચારો સામે કંઈ પણ કહેવા ઈન્કાર કરી રહી છે. આ સંપૂર્ણપણે શરમજનક છે અને હિન્દુઓના નૈતિક સિદ્ધાંતોની પણ વિરૂદ્ધ છે. એ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોની પણ વિરૂદ્ધ છે, એ સાથે યહુદી નૈતિકતાની પણ વિરૂદ્ધ છે. એમણે કહ્યું કે, અન્યાય અને અત્યાચારો વિરૂદ્ધ અવાજ ન ઉઠાવવો એ મોટો ગુનો છે. આરબ દેશો પણ જે પ્રકારનો ભાઈચારો દર્શાવવો જોઈએ એ દર્શાવતા નથી. પેલેસ્ટીનનો મુદ્દો ફકત મુસ્લિમોનો નથી પણ એ ન્યાય અને શાંતિનો છે.