અમદાવાદ, તા.૨
ચકચારભર્યા નિત્યાનંદ આશ્રમના કેસ વિવાદમાં હાથીજણ પાસે હીરાપુર ખાતેની ડીપીએસના સીઇઓ અને પૂર્વ ટ્રસ્ટી મંજૂલા શ્રોફ અને હિતેેન વસંત દ્વારા પોતાની સંભવિત ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી છે. વિવેકાનંદ નગર પોલીસમથકમાં આ કેસ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસ ધરપકડથી બચવા ડીપીએસ સ્કૂલના આ બંને માંધાતાઓ કોર્ટના શરણે આવ્યા છે. હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે સીબીએસઈ બોર્ડે ડીપીએસ-ઈસ્ટની માન્યતા રદ કરી છે. તેમજ ખોટા દસ્તાવેજો ઊભા કરી સ્કૂલની મંજૂરી મેળવવાના આરોપસર ડીપીએસ-ઈસ્ટના સીઈઓ મંજૂલા શ્રોફ અને ટ્રસ્ટી હિતેન વસંત સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વોકલ મ્યૂઝિકની તાલીમ લઈ ચૂકેલા હિતેન વસંતનો જન્મ તા.૪ જુલાઈ ૧૯૬૨ના રોજ થયો હતો. તેઓએ ગુજરાત યુનિવર્સિટીમાંથી બીકોમ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેમની લિંક્ડ ઈન પ્રોફાઈલ મુજબ, તેઓ વર્ષોથી ચાલતા વસંત ટ્રાન્સપોર્ટના માલિક અને વસંત ગ્રુપ ઓફ કંપનીઝના ટીમ લીડર છે. આ ઉપરાંત તેઓ વસંત ઓવરસીઝ પ્રા.લિ.ના સીએમડી, વસંત ટ્રાન્સપોર્ટ પ્રા.લિ., વસંત કાર્ગો મૂવર્સ પ્રા.લિ., વસંત લોજિસ્ટિક્સ, વસંત ઈન્ફ્રા લોજીસ, વસંત વર્ચ્યુઅલના ડાયરેક્ટર છે. જ્યારે યશ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર, વિનમ્ર કોમ્યુનિકેશન પ્રા.લિ. અને સિદ્ધિ વિનાયક બિલ્ડકોન પ્રા.લિ.ના ડાયરેક્ટર છે. એજ્યુકેશન સહિત વિવિધ પ્રકારના બિઝનેસ સાથે સંકળાયેલા હિતેન વસંત અમદાવાદ ઈનિશિયટિવ ફોર રિડક્શન ઈન પોલ્યુશન (એઆઇઆર), કેલોરેક્સ ફાઉન્ડેશન, સિટીઝન્સ કાઉન્સિલ, ગર્વનિંગ બોડી ઓફ એલ.જે.ટ્રસ્ટ, સંવેદના ટ્રસ્ટ, યુવા અનસ્ટોપેબલ, સિદ્ધિ વિનાયક બિલ્ડકોન અને ઉત્થાનના ટ્રસ્ટી તેમજ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર લીડરશિપ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના મેમ્બર છે. જ્યારે કેલોરેક્સના એમડી અને સીઇઓ મંજૂલા પૂજા શ્રોફનો જન્મ ઓડિશાના બહેરામપુરમાં થયો હતો. ગુજરાતી એવા પ્રતુલ શ્રોફને પરણેલાં મંજૂલા પૂજા શ્રોફના પિતા સ્વ. કીર્તિચંદ્ર દેવ જૂના રજવાડાઓનું વિલિનીકરણ થયું તે પહેલાં ઓડિશા-આંધ્રપ્રદેશના રાજકુમાર હતા. પોલિટિકલ સાયન્સ ભણેલા મંજૂલા પૂજા શ્રોફે જાહેર જીવનની શરૂઆત ઓડિશાના મોટા ઔદ્યોગિક ગ્રુપ ઈન્ડિયન મેટલ એન ફેરો એલોઈસમાં સમર ઈન્ટર્ન તરીકેની કામગીરીથી કરી હતી. કેલોરેક્સના ચેરપર્સન તરીકે શિક્ષણ જગતમાં ખૂબ જ ટૂંકા ગાળામાં સફળતાઓ મેળવી છે. તેમજ પ્રેરણા (ડિસલેક્સિક વિદ્યાર્થીઓ માટે) અને વિસામો કિડ્ઝ (મેનેજિંગ ટ્રસ્ટી, સમાજના આર્થિક રીતે પછાત લોકો માટે) સંસ્થા પણ ચલાવે છે. મંજૂલા પૂજા શ્રોફ વર્ષ ૧૯૯૫થી કેલોરેક્સના સીઈઓ અને એમડી પદે છે. કેલોરેક્સ પ્રિ-સ્કૂલથી લઈ યુનિવર્સિટી સુધીના એજ્યુકશન સાથે સંકળાયેલી છે. માત્ર એટલું જ નહીં કેલોરેક્સ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ૪૦થી વધુ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂશન્સ ચલાવી રહી છે. સરકાર અને મોટા માથાઓ સાથે ઉપરોક્ત બંને માંધાતાઓના બહુ સારા સંબંધો હોવાથી સમગ્ર પ્રકરણમાં ઠંડુ પાણી રેડાઇ જાય નહીં તેવી વાલીઓએ દહેશત વ્યકત કરી હતી.
પોલીસ ધરપકડથી બચવા મંજૂલા શ્રોફ અને હિતેન વસંતે કરી આગોતરા જામીન અરજી

Recent Comments