જૂનાગઢ, તા.૧૮
તા.ર૩/૮/૧૮ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી દેશની તિજોરીના હિતમાં તેમજ વિવિધ પ્રશ્ને આવેદનપત્ર આપવાનું છે. જેમાં (૧) રાજ્યમાં ખેડૂતોને રાતીપાઈ નહીં અને મગફળી કૌભાંડિયાઓએ રાજ્યવ્યાપી કરોડોનું કૌભાંડ કરેલ છે. તેની તપાસ ગુજરાત હાઈકોર્ટના સિટીંગ જજને સોંપવામાં આવે, (ર) રાજકોટ જિલ્લામાં ભાદર અને જૂનાગઢ જિલ્લામાં ઉબેણ અને ઓઝત નદીમાં ડાઈંગ ઈન્ડસ્ટ્રીયલનું ઝેરી કેમિકલયુક્ત પાણી તેમજ સાડીના ધોલાઈ ઘાટનું પાણી વિવિધ નદીઓમાં ઠાલવવામાં આવે છે તે પાણીના કારણે ખેડૂતોની ફળદ્રુપ જમીનોનો નાશ થઈ રહ્યો છે અને લોકોના આરોગ્યને પણ ભયંકર નુકસાન થઈ રહ્યું છે, (૩) રાજ્યનો જગતનો તાત ખેડૂત દેવાના ડુંગર નીચે દબાયેલો છે ત્યારે તેમનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે અને તેમની જળસના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે વિવિધ જળસ ખરીદવાના કેન્દ્રો મંડળી અને વિવિધ સંસ્થાઓને સોંપવામાં આવે છે. જે લાભ ખેડૂતોને મળવાને બદલે સીધો જ કૌભાંડિયાઓના ખિસ્સામાં જાય છે. તેના કરતા ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં વિઘે દીઠ રૂપિયા પાંચ હજાર ખાતામાં નાખવામાં આવે તો જ તેનો લાભ ખેડૂતને મળી શકશે. તદ્‌ઉપરાંત વિવિધ મુદ્દાઓ અંગે જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને આવેદન પાઠવી વડાપ્રધાનના પીટીસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમના સ્થળે રૂબરૂ આવેદનપત્ર આપવાની મંજૂરી આપીને વીઆઈપી પાસ આપવાની માંગ કરી છે.