(એજન્સી) તા.૧૮
પશ્ચિમ બંગાળ સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને માલ્દા એરપોર્ટ ખાતે આવેલા હેલિપેડનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શાહ રવિવારે અહીં રેલીને સંબોધન કરશે. માલ્દા જિલ્લા વહીવટી તંત્રએ કહ્યું હતું કે, બાંધકામ ચાલુ હોવાના કારણે તે મુસાફરો માટે સુરક્ષિત નથી અને હાલમાં હેલિપેડ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં નથી. શુક્રવારે માલ્દાના એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે જિલ્લાના ભાજપ એકમને આ જાણકારી આપી હતી. રાજ્યના ભાજપ એકમે હેલિપેડ વાપરવાની પરવાનગી ન આપવાના વહીવટી તંત્રના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તે ભાજપના નેતાઓને રાજ્યમાં રેલીનું આયોજન કરતા રોકવા માટેનું ષડયંત્ર છે. ભાજપના રાજ્ય એકમે કહ્યું હતું કે, તે શાહનું હેલિકોપ્ટર ઉતરાણ કરી શકે તે માટે કામચલાઉ હેલિપેડ તૈયાર કરવા સ્થળ શોધી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ભાજપના નેતા રાજિન્દ્રનાથ ઘોષે માલ્દાના હેલિપેડ પર ઉતરાણની પરવાનગી ન આપવાના નિર્ણયને ભાજપના માર્ગમાં અવરોધ ઊભો કરવાનું કાવતરૂં ગણાવ્યું હતું.