(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.ર૯
ઐતિહાસીક, ધાર્મિક, સંસ્કારી અને નવાબી નગરી તરીકે ઓળખાતાં જૂનાગઢ શહેરનાં વિકાસ આડેનાં અંતરાયો ક્રમશ દુર થઈ રહ્યા છે. ચાર દાયકા ઉપરાંતની રોપ-વે યોજના કાર્યરત કરવા તૈયારી શરૂ થઈ છે. એક તરફ જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઈન અને તેનાં ફાટકલેસની માંગ બુલંદ બની છે. જ્યારે ભવનાથ ખાતે લાંબી પ્રતિક્ષા બાદ મીનીકુંભ મેળો આ વર્ષે યોજાઈ રહ્યો છે. તો બીજી તરફ એક દાયકાની લાંબી મથામણ બાદ જૂનાગઢ શહેરનો વિકાસ નકશો આખરે મંજુર થયો છે. આ વિકાસ નકશામાં વંથલીનાં બે સહિત કુલ ર૦ ગામોનો સમાવેશ થયો છે. ગત તા.૭-૭-ર૦૦૮નાં સરકાર દ્વારા જૂનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જુડાની રચના થઈ હતી અને વિકાસ નકશામાં લાખો રૂપિયા વેડફાયા બાદ સરકાર દ્વારા આખરે વિકાસ નકશાનુ મંજુરી આપી છે. ત્યારે આગામી દિવસોમાં જ તેની પ્રક્રિયા જોર-શોરથી હાથ ધરાઈ તેવા નિર્દેશો મળી રહ્યાં છે. જુડાની રચના થતા, સરકારે જૂનાગઢ તાલુકાના રપ અને વંથલી તાલુકાના ૧૬ ગામોનો સમાવેશ કરી, લાખોના ખર્ચે વિકાસ નકશો તૈયાર કરાયો હતો. પરંતુ તે સામે વ્યાપક વિરોધ ઉઠતા સરકારે વાંધા અને વિરોધને ધ્યાને લઈ બંને તાલુકાઓના ર૧ ગામોની બાદ બાકી કરી હતી. ત્યારબાદ જૂનાગઢ તાલુકાના ૧૭ તથા વંથલી તાલુકાના ૩ મળી ર૦ ગામોને જુડામાં રાખવામાં આવ્યા હતા અને નવેસરથી વિકાસ નકશો તૈયાર કરાયો હતો. જેને જૂનાગઢ કલેક્ટરે પોતાના અભિપ્રાય સાથે મંજૂરી અર્થે સરકારમાં મોકલ્યો હતો. તેને મંજુરીની મહોર મારવામાં આવી છે.
આ વિકાસ નકશામાં જૂનાગઢ મનપા વિસ્તાર સિવાયનો ટીંબાવાડી, ઝાંઝરડા, ચોબારી, જોશીપરા, દોલતપરા, સરગવાડા, સાબલપુર, ખામધ્રોળ, ભવનાથ, ઈવનગર, સાગડીવીડી, વિરપુર, સુખપુર, ગલીયાવાડ, વધાવી અને ખલીલપુર તથા વંથલી તાલુકાના ઉમટવાડા, નાંદરખી અને શાપુર (મનપાની હદમાં આવતો વિસ્તાર)નો સમાવેશ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા ૧પ વર્ષ બાદ જૂનાગઢનો વિકાસ નકશો મંજુર કરાયો છે. તેથી જુડા હેઠળના આ વિસ્તારોમાં હવે વિકાસ નકશાને ધ્યાને લઈ વિકાસ પરવાનગી આપવામાં આવશે. તેમાં ટીપી સ્કીમ દાખલ થશે અને ડી.પી.રોડ, ગટર, પાણીની પાઈપ લાઈન સહિતના માર્જીન જોવામાં આવશે. જુડા હેઠળનો વિકાસ નકશો જે ૪પ ગામોને આવરી લેતો બનાવવામાં આવ્યો હતો. તેમાં ભાજપ-કોંગ્રેસ ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા જોરદાર વિરોધ ઉઠ્યો હતો અને સરકારે આખરે નમતું જોખી અને ર૦ ગામોને આવરી લેતો આ વિકાસ નકશો જૂનાગઢનાં અધિક કલેક્ટર જોખી-જોખીને આખેર મંજુર કરી દિધો છે. જ્યારે આગળની કાર્યવાહી ઉપર સંબંધિત તમામની મીંટ મંડાયેલી છે.
લાંબા સમયની મથામણ બાદ એટલે કે ૧પ વર્ષની કડાકુટ બાદ નવો વિકાસ નકશો તૈયાર કરવામાં આવેલ છે અને તેમાંથી ર૧ જેટલાં ગામોને દુર કરી દેવામાં આવેલ છે. આમ કદ ઘટાડી અને વિકાસ નકશાને મંજુર કરવામાં આવ્યો છે.