(એજન્સી) નવી દિલ્હી, તા.રર
ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિંહાએ પાર્ટીના પ્રવક્તા અને કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડીને સલાહ આપી છે કે, તેઓ દબાણમાં નમે નહીં અને પોતાના મણકાના હાડકાને સીધું રાખે. તેમણે જણાવ્યું કે, તમારે કોઈની પણ વિરૂદ્ધ વ્યક્તિગત ટિપ્પણી કરવાથી બચવું જોઈએ. સિંહાએ ટ્‌વીટ કરી રાજીવ પ્રતાપ રૂડીને સલાહ આપી છે કે, તેઓ દબાણમાં નમે નહીં અને કોઈની વિરૂદ્ધ વ્યક્તિગત વેર ના લે. સાથે જ સિંહાએ તેમને સારા ભવિષ્યની પણ શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાનની રેસમાં કૂદેલા ભાજપના બળવાખોર યશવંતસિંહાએ જણાવ્યું કે, દરવર્ષે ર-૩ કરોડ નોકરી આપી શકું છું.
જો કે હાલમાં જ પશ્ચિમ બંગાળમાં વિપક્ષી દળોની રેલીમાં શત્રુઘ્નસિંહાએ ભાગ લીધો હતો, ત્યારબાદ રાજીવ પ્રતાપ રૂડીએ સિંહા પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, શત્રુઘ્ન સિંહા ઘણા આતુર અને તકવાદી નેતા છે. જે રીતે સિંહાએ વિપક્ષી દળોની રેલીમાં ભાગ લીધો ત્યારબાદ રૂડીએ જણાવ્યું કે, મને આ વાત પર વિશ્વાસ છે કે, પાર્ટી કોલકાતામાં વિપક્ષી રેલીમાં સિંહાની હાજરી બાદ ચોક્કસ કોઈ પગલું ભરશે. તમને જણાવી દઈએ કે, રૂડીને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના ઘણા નજીકના ગણવામાં આવે છે. તેઓ ૧૯૯૦માં ભાજપમાં સામેલ થયા હતા અને ૧૯૯૯માં તેમને અટલબિહારી વાજપેયીની સરકારમાં મંત્રી પદ આપવામાં આવ્યું હતું.
જે રીતે રૂડીએ સિંહા પર નિશાન સાધ્યું હતું ત્યારબાદ શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું કે, હું રૂડીના નિવેદનથી આશ્ચર્યચકિત નથી. તેઓ મારા ઘણા જૂના મિત્ર છે. કેટલાક મિત્ર કહી રહ્યા છે કે, મારા યુવાન મિત્ર ઘણા દબાણમાં છે, આવામાં અમે તેમની માટે સહાનુભૂતિ ધરાવીએ છીએ. તેમને જાણી જોઈને આ પ્રકારના નિવેદન આપવા માટેનું કહેવામાં આવ્યું છે અથવા તો બની શકે છે કે પોતાની મહત્તાને જાળવી રાખવા માટે તેમણે આવું નિવેદન આપ્યું હોય. તમને જણાવી દઈએ કે ર૦૧પમાં લાલુપ્રસાદ યાદવની પત્ની રાબડી યાદવને સદનથી હરાવી રૂડી લોકસભામાં પહોંચ્યા હતા.
રૂડીને મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ ર૦૧૭માં તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ વાતથી અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે, મોદી રૂડીના કામથી સંતુષ્ટ ન હતા. આ જ કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. હાલમાં જ રૂડીને પાર્ટીના પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. પાર્ટીના આ પગલાંથી આ વાતના પણ સંકેત મળી રહ્યા છે કે, સંભવ છે કે, રૂડીને આગામી લોકસભા ચૂંટણીની ટિકિટ ના મળે. રૂડીને શત્રુઘ્ન સિંહાએ સલાહ આપી છે કે, તેઓ દબાણમાં નમે નહીં અને કોઈની વિરૂદ્ધ વ્યક્તિગત ટિપ્પણી આપે નહીં.