(એજન્સી) તા.રર
બુધવારે મધ્યપ્રદેશમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે મોદી સરકારને આડે હાથ લીધી હતી. તેમણે આ પ્રસંગે સરકારના નોટબંધીના નિર્ણયની આકરી ટીકા કરી હતી અને આ ઉપરાંત સીબીઆઇમાં ચાલી રહેલા ઘમાસાણ અંગે પણ સરકારની આકરી ટીકા કરી હતી. મનમોહનસિંહે કહ્યું હતું કે સંસદ અને સીબીઆઇ જેવી સંસ્થાઓની વિશ્વસનીયતામાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ધરખમ ઘટાડો કર્યો છે. આ સંસ્થાઓને નબળી બનાવી દીધી છે. આ તેમની એક સમજી વિચારેલી રણનીતિ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે સરકારે કાયદાના શાસન ઉપર પણ હુમલો કર્યો છે અને આ વાત માટે તેમને ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે.આરબીઆઇ અને સીબીઆઇમાં વિકાસ માટે છુપાયેલા સંદર્ભમાં ડો. મનમોહનસિંહે કહ્યું કે મોદી સરકાર મોટી સંસ્થાઓને જીતવાનો પ્રયાસ કરી રહી છે અને આ દેશના લોકતંત્ર અને કાયદા માટે નુકસાનકારક છે. તે ઉપરાંત તેમણે નોટબંધીને એક સંગઠિત લૂંટ અને કાયદેસરની લૂંટ ગણાવી હતી. તેમણે કહ્યું કે નોટબંધી અને એનડીએ સરકારના જીએસટીને કારણે અસંગઠિત ક્ષેત્રને મોટું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે નોટબંધી તેના લક્ષ્યાંકને ભેદવામાં પણ નિષ્ફળ રહી છે. તમને જણાવી દઇએ કે મધ્યપ્રદેશમાં ર૮ નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે અને એવામાં આ વખતે કોંગ્રેસ આ ચૂંટણીને લઇને સંપૂર્ણ તાકાત લગાવી રહી છે અને તેનો સંપૂર્ણ પ્રયાસ પણ છે કે તે કોઇપણ ભોગે આ ચૂંટણીમાં વિજય મેળવે. ડો.મનમોહનસિંહે વધુમાં કહ્યું હતું કે મોદી સરકારના શાસન હેઠળ ભ્રષ્ટાચાર આકાશને આંબી ગયો છે. સીબીઆઈ, સંસદ જેવી સંસ્થાઓની વિશ્વસનીયતામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કાયદાના શાસન પર પ્રહારો થઈ રહ્યાં છે. તેમણે વડાપ્રધાન મોદીના પદ ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ પદ પર રહીને મોદી અન્ય વિપક્ષી નેતાઓને ખરાબ ન કહી શકે.

પોકળ વચનો આપ્યા અને કોંગ્રેસની યોજનાઓની જ નકલ કરી : મનમોહનસિંઘનો મોદી સરકાર પર હુમલો

(એજન્સી) ભોપાલ, તા.રર
કોંગ્રેસે દાવો કર્યો કે એમના શાસનકાળમાં દેશની એકતા અને વિવિધતાને સંપૂર્ણપણે જાળવી રાખવામાં આવ્યું હતું અને અમોએ નાગરિકોના વિકાસ માટે જ કામગીરી કરી હતી. ભાજપ દ્વારા યુપીએ શાસનની સતત થતી ટીકાઓનો જવાબ આપતા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે ભાજપ ઉપર હુમલો કર્યો હતો.
સિંઘે જણાવ્યું ર૦૦૪થી ર૦૧૪ સુધી રાષ્ટ્રીય આવકમાં ૮ ટકાનો વૃદ્ધિ દર રહ્યો હતો. ૧૪૦ મિલિયન લોકો બીપીએલમાંથી બહાર આવ્યા હતા. અમોએ પાંચ લાખ ગામડાઓને વીજ જોડાણ આપ્યા હતા અને ફક્ત ૧૮પ૦૦ ગામડાઓ જ બાકી રહી ગયા.
મોદી સરકાર ગામડાઓને વીજળી જોડાણ આપવાના કાર્યને મોટી સિદ્ધિ તરીકે વખાણે છે પણ એમણે ફક્ત ૧૮પ૦૦ ગામડાઓમાં જ વીજ જોડાણો આપ્યા હતા. એમણે પોતાની ઉપર લગાવેેલ રિમોટ કન્ટ્રોલની છબિને ખોટું ઠરાવતા કહ્યું કે અમારા પક્ષ અને સરકારની વિચારસરણી એક જ હતી અને એ જ અમારી સફળતાનો મુખ્ય મુદ્દો હતો.
સિંઘે મોદી સરકારની આર્થિક નીતિઓની ટીકા કરતા કહ્યું કે છેલ્લા સાડા ચાર વર્ષ આર્થિક બાબતે ખૂબ જ પડકારજનક રહ્યા હતા. નોટબંધી મોટી આપત્તિ સાબિત થઈ જે પોતાના ઉદ્દેશ્યો હાંસલ કરવાના નિષ્ફળ પૂરાવાઓ છે. જેનાથી ફલિત થાય છે કે નોટબંધી ફક્ત કાળા નાણાને ધોળા કરવા દાખલ કરાઈ હતી. આ યોજના નાના વેપારીઓ, ખેડૂતો અને ગૃહિણીઓ ઉપર હુમલા સમાન સાબિત થઈ. સિંઘે મધ્યપ્રદેશમાં થતા આપઘાત અને યુવાઓમાં ફેલાયેલ અસંતોષ બાબત મુખ્યમંત્રી શિવરાજ સિંઘ ઉપર દોષ મૂક્યો. વ્યાપમ કૌભાંડથી ૭૦ લાખ યુવાઓનું કેરિયર ખતમ થયું. સિંઘે કહ્યું ભાજપાએ યુપીએના ભ્રષ્ટાચારો બાબત પણ મીડિયાની મદદથી જુઠ્ઠાણાઓ ચલાવ્યા છે. એમણે સ્વીકાર્યું કે મોદીના આ જુઠ્ઠાણાઓને પડકારવા કોંગ્રસે લોકો સુધી પહોંચી શકી નહીં પણ હવે લોકોને ખરી હકીકતો સમજાઈ છે કે મોદીએ ફક્ત પોકળ વચનો જ આપ્યા હતા અને અમારી યોજનાઓને જ નામો બદલી લાગુ કરી હતી.