(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે મોદી સરકારને આડે હાથ લેતાં કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અસહિષ્ણુતા, સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને ભીડ દ્વારા હિંસાની ઘટનાઓ વધી છે. આ પ્રકારના વ્યવહારને રોકવા સૌએ એકજૂથ થવું પડશે કારણ કે આ પ્રકારની ઘટનાઓ માત્ર રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડે છે. સોમવારે રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના પુરસ્કાર કાર્યક્રમમાં તેમણે આ મુદ્દાને ગંભીર ચિંતાનું કારણ ગણાવતા કહ્યું કે, વધતી અસહિષ્ણુતા, સાંપ્રદાયિક ધ્રુવીકરણ, કેટલાક સમૂહો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી. ઘૃણા અને હિંસાની વધતી ઘટનાઓ તેમજ ભીડનો કાયદો હાથમાં લેવાનું ચલણ દેશને નુકસાન પહોંચાડી શકે છે. આ ચલણ શાંતિ, રાષ્ટ્રીય એકીકરણ અને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવાના સંદર્ભમાં અભિશાપ છે. હવે આપણે કદાચ થોભીને વિચારવાની જરૂર છે કે કેવી રીતે એકજૂથ થઈને આ ઘટનાઓ રોકી શકાય. આ વર્ષે રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્દભાવના પુરસ્કાર પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપલ કૃષ્ણ ગાંધીને આપવામાં આવ્યો છે.