(એજન્સી) તા.૨૩
એનડીએ સરકાર પર આડકતરા હુમલામાં ડો.મનમોહનસિંહે જણાવ્યું હતું કે ભારતના વૈવિધ્ય પ્રત્યે સંકુચિત દ્રષ્ટિકોણ સાર્વભૌમવિશ્વ સાથે કામ લેવાનું વધુ મુશ્કેલ બનાવશે. દેશની પ્રજા પર એક જ વિચારસરણી થોપવાના એનડીએ સરકારના કહેવાતા પ્રયાસો પર આડકતરા પ્રહારો કરતા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જવાહરભવન ખાતે શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇંદિરા ગાંધી પારિતોષિકનો સ્વીકાર કરતા પોતાના વક્તવ્યમાં એનડીએ સરકાર સામે નિશાન તાક્યું હતું. ઇંદિરા ગાંધી શાંતિ પુરસ્કાર ગ્રહણ કર્યા બાદ મનમોહનસિંહે જણાવ્યું હતું કે કોઇ પણ સમાજને સફળ થવા માટે વિવિધતા અપનાવવી પડશે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દુનિયા સામે અનેક પડકારો છે તેની સાથે કામ લેવા માટે વૈશ્વિક જવાબદારીની જરુર છે. સહકારની જરુર છે. મનમોહનસિંહે જણાવ્યું હતું કે આપણે ઇતિહાસના એવા વળાંક પર છીએ જ્યાં વૈશ્વિક શાસનની તમામ સંસ્થાઓને મજબૂત કરવાની સખત જરુર છે કે જેથી બહુપક્ષવાદને પ્રોત્સાહન મળે અને જેના દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને ખતરો ઊભો થયો છે એવા વૈશ્વિક પડકારોનો સામનો કરી શકાય. આપણે આંતરરાષ્ટ્રીયવાદની ભાવનાને ફરીથી જીવંત કરવા અગ્રણી ભૂમિકા અદા કરવી પડશે. તેમણે દુનિયાના કેટલાય ભાગમાં તુચ્છ રાષ્ટ્રવાદ શક્તિશાળી હોવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભવિષ્ય એમનું જ હશે જેઓ વૈવિધ્યને સંભાળી શકશે અને ઉદારવાદી અભિગમ ધરાવશે. ભારતની એ ખૂબી રહી છે કે તે વિવિધતાનો જશ્ન મનાવે છે. ભારતના બંધારણ નિર્માતાઓએ પણ વૈવિધ્યને મહત્વ આપ્યું છે.