(એજન્સી) તા.૬
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી છે કે તમે એ વાત સ્વીકારી લો કે નોટબંધીનો પગલો ભૂલ હતી અને હવે નવેસરથી અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા પ્રયાસો કરો. નોટબંધીની અસર સમાજના નબળા વર્ગ અને ધંધાદારીઓને વધુ થઈ છે. એમને નુકસાન વધુ થયું છે. જે નુકસાન આર્થિક આંકડાઓથી દેખાય છે એના કરતાં પણ વધુ છે. મનમોહનસિંગનું નિવેદન નોટબંધીની પ્રથમ વરસીથી થોડા જ સમય પહેલાં આવ્યું છે જે દિવસને વિરોધ પક્ષો કાળા દિવસ તરીકે મનાવવા જઈ રહ્યા છે. મનમોહનસિંગે કહ્યું કે નોટબંધીનો નિર્ણય રિઝર્વ બેંકની સ્વતંત્રતા અને વિશ્વસનીયતા સામે પ્રશ્ન મૂકી ગયો છે. એમણે મોદીને સલાહ આપી છે કે ભૂલ સ્વીકારી બધા પક્ષો સાથે મળી અર્થતંત્રને ફરીથી બેઠું કરવો જોઈએ. હું દૃઢતાપૂર્વક માનું છું કે, નોટબંધી બાબત હવે રાજકીય ચર્ચાઓ પૂર્ણ થવી જોઈએ. એમણે વધુમાં કહ્યું કે નોટબંધીના કારણે ભારતની છબિ વિદેશોમાં પણ ખરડાઈ છે. ભારતની આર્થિક નીતિઓ શાંત અને સ્થિર છે. એ છબિનો દુનિયાની નજરોમાં ધોવાણ થયું છે. જો કે, મનમોહનસિંગે મોદીના ડિજિટલ વહેવારો વધારવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. દેશના અસંગઠિત અર્થતંત્રને સંગઠિત અર્થતંત્રમાં ફેરવવા લીધેલ પગલાની પણ પ્રશંસા કરી હતી જેમાં જીએસટીના વખાણ પણ કર્યા હતા. એમણે કહ્યું કે અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એનું અમલ યોગ્ય રીતે થવું જોઈએ જે થઈ શકયું નથી. મોદીના પ્રયાસો ટેક્ષની જાળને વધુ ફેલાવવાની જે જીએસટી દ્વારા શક્ય છે પણ એનું યોગ્ય અમલ ન થતાં અસંગઠિત અર્થતંત્ર સંપૂર્ણપણે ભાંગી પડશે.