નવી દિલ્હી,તા.૧૮
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે બંધારણના અનુચ્છેદ ૩૭૦ રદ કરવા બદલ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. એમણે કહ્યું આ પ્રકારના ભયંકર પગલા લેતા પહેલા સરકારે રાજયસભા સાથે પણ સલાહ કરવી જોઈતી હતી. કેન્દ્ર સરકારે પમી ઓગસ્ટે અનુચ્છેદ ૩૭૦ રદ કરી જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો હતો અને એમની સીમાઓ પણ નવેસરથી ઘડી હતી. મનમોહનસિંઘે કહયું કે રાજયસભા રાજયોની પરિષદ છે જેથી કારોબારીએ એમને વધુ મહત્વ આપવું જોઈએ અને આ પ્રકારના ગંભીર નિર્ણયો લેતા પહેલા એમની સાથે સલાહ કરવી જોઈએ. શિયાળુ સત્રના પ્રથમ દિવસે એમણે રાજયસભામાં સંબોધન કરતા કહ્યું કે રાજયસભાની પણ મહત્વપૂર્ણ ફરજ છે. એમણે સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ પણ બિલ લાગણી શીલતાના અતિરેકમાં ઉતાવળે પસાર ન થવું જોઈએ. એમણે સૂચન કર્યું કે અમુક પગલાઓ લેવાથી રાજયસભાને વધુ અસરકારક બનાવી શકાય છે. ઉપલા સદનમાં પણ પ્રત્યેક બિલની ચર્ચા લંબાણપૂર્વક થવી જોઈએ. જેના માટે પૂરતો સમય ફાળવવો જોઈએ.
એમણે કહ્યું કે સંસદે બધા બિલો રાજયસભામાં રજૂ કરવા જોઈએ. પણ અનુચ્છેદ ૧૧૦ હેઠળ લોકસભાને નાણા બિલ માટે વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને ફકત લોકસભામાં જ પસાર કરાવાય છે, જેથી અમુક એવા બિલો પણ હોય છે જે નાણાં બિલ નથી હોતા પણ સરકાર ગમે તેમ કરી નાણાં બિલનું સ્વરૂપ આપી લોકસભામાં પસાર કરાવી દે છે.
આર્થિક મંદી પાછળ મોદી સરકારનો દુર્ભાવનાપૂર્ણ સિદ્ધાંત : મનમોહનસિંહ
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પોતાના એક લેખમાં કેન્દ્રની મોદી સરકાર અને એમની આર્થિક નીતિઓની તીખી આલોચના કરી છે. એમણે લખ્યું છે કે, દેશમાં અવિશ્વાસનું વાતાવરણ છે અને એની અસર દેશના અર્થતંત્ર ઉપર પડી રહી છે. એમણે આક્ષેપો મૂકયા કે અર્થતંત્રની ખરાબ સ્થિતિ માટે આપણા વિશ્વાસના સામાજિક તાણા-વાણાનું તૂટવું મુખ્ય કારણ છે. આજે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે ધંધાર્થીઓ, ધીરાણ કરતી સંસ્થાઓ અને કામદારો વિશ્વાસનું અનુભવ કરે અને એ ત્યારે જ સંભવિત છે જ્યારે સરકાર દેશના લોકો અને ઉદ્યોગપતિઓ ઉપર વિશ્વાસ મૂકે. મનમોહનસિંહે એક અંગ્રેજી અખબાર ધ હિન્દુમાં લખેલ લેખમાં જણાવ્યું છે. એમણે લખ્યું છે કે, હું વિપક્ષના નેતા તરીકે નથી કહી રહ્યો પણ જે હકીકતો છે એ કહી રહ્યો છું. મનમોહનસિંહે લખ્યું છે કે સરકાર બધાને શંકાની નજરથી જુએ છે. બધા ઉપર સરકાર બિનજરૂરી નિગરાની રાખી રહી છે. એથી બધા સરકારથી ભય અનુભવી રહ્યા છે. મોદી સરકારની એવી માન્યતા છે કે તમામ ઉદ્યોગપતિઓ, બેંકરો, નિયમનકારો અને નાગરિકો દગાબાજ છે અને એ બધા દેશને લૂંટવા ઈચ્છે છે. સરકારના આ વલણના લીધે ઉદ્યોગપતિઓ કહે છે કે તેઓ સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી પરેશાનીને લઈ હંમેશા ચિંતામાં રહે છે. બેંકો પણ નવી લોન આપવા માંગતી નથી કારણ કે એમને લોન ડૂબવાનો જોખમ છે. લોકો નવા ઉદ્યોગો શરૂ કરતા ડરી રહ્યા છે. એમણે લખ્યું છે કે, ભારતીય અર્થતંત્ર ખૂબ જ ગંભીર કટોકટી હેઠળ છે. દેશની જીડીપી ૧પ વર્ષમાં સૌથી નિમ્ન સ્તરે છે. બેરોજગારી ૪પ વર્ષોમાં સૌથી વધુ છે. ઘરેલુ ઉપભોગ પણ ચાર દાયકાઓમાં સૌથી નિમ્ત સ્તરે છે. બેંકોનું એનપીએ સર્વોચ્ચ સ્થાને છે, વીજળી ઉત્પાદન છેલ્લા ૧પ વર્ષમાં સૌથી ઓછું છે. દેશની અર્થવ્યવસ્થા લોકો અને સંસ્થાઓ વચ્ચેના સંબંધ ઉપર નિર્ભર રાખે છે. એમણે લખ્યું કે, અમારું અર્થતંત્ર ત્રણ ટ્રિલિયન ડોલરનું છે જે મુખ્યત્વે ખાનગી ક્ષેત્ર ઉપર આધારિત છે. આ કોઈ નાનું અર્થતંત્ર નથી જેને પોતાની મરજીથી ચલાવી શકાય. આ દેખાડાઓ અને મીડિયાના ઘોંઘાટથી નથી ચાલતી. દુઃખની વાત છે કે, પોતે તેડાયેલ આર્થિક મંદી એવા સમયે આવી છે જ્યારે ભારત પાસે વૈશ્વિક અર્થવ્યવસ્થા દ્વારા લાભ લેવાની કેટલીક તકો છે. ચીનની આર્થિક મંદીના લીધે ભારતને પોતાની નિકાસો વધારવાની તકો મળી છે પણ કમનસીબે આપણે એ તકો ઝડપી શકતા નથી.
Recent Comments