(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૦
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે મંગળવારે જણાવ્યું હતું કે, વધતી અસહિષ્ણુતા, કોમી ધ્રુવીકરણ અને હિંસક અપરાધોની વધતી ઘટનાઓ અને ટોળા દ્વારા પ્રેરિત હિંસાની પ્રવૃત્તિઓ રાજનીતિ અને આપણા સમાજને નુકસાન પહોંચાડશે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ૭૫મી જન્મજયંતિ નિમિત્તે મનમોહનસિંહે જણાવ્યું હતું કે, આપણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના માર્ગે ચાલવું પડશે. તેઓ શાંતિ, એકીકરણ અને સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂતી આપવાના હિમાયતી હતા. મનમોહસિંહે કહ્યું કે, આપણા બંધારણે આપનાવેલા શાંતિ, રાષ્ટ્રીય એકીકરણ અને કોમી સૌહાર્દને બળ આપનારા હેતુઓ સામે આ વલણ ચલાવી શકાય તેમ નથી. આવા ટ્રેન્ડને રોકવા માટે આપણે કેવી રીતે ફાળો આપી શકીએ તે વિચારવું જરૂરી છે.
રાજીવ ગાંધીના શબ્દોને યાદ કરતાં મનમોહનસિંહે જણાવ્યું કે, આપણા દેશની એકતા તથા અખંડિતતા કરતાં કંઇ પણ મહત્વનું નથી. ભારત અવિભાજ્ય છે. ધર્મનિરપેક્ષતા આપણા રાષ્ટ્રવાદનો આધાર છે. તેનો અર્થ સહનશીલતા કરતાં ઘણો વધારે છે. આમાં સદભાવ માટે એક સક્રીય પ્રયાસ સામેલ છે. કોઇપણ ધર્મ નફરત અને અસહિષ્ણુતાને સમર્થન કરતો નથી. નિહિત સ્વાર્થ બાહ્ય અને આંતરિક બંને રીતે વંશીય હિતો ભારતને વિભાજિત કરવા માટે જુસ્સો અને હિંસાને ભડકાવી રહ્યા છે અને તેનું શોષણ કરી રહ્યા છે. મનમોહનસિંહે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષથી આપણા દેશમાં કેટલાક વિચલિત કરનારૂં વલણ ચાલી રહ્યું છે. વધતી અસહિષ્ણુતા, કોમી ધ્રુવિકરણ, ચોક્કસ જૂથો દ્વારા નફરતથી પ્રેરિત અપરાધોની વધતી ઘટનાઓ અને ટોળા દ્વારા કાયદો હાથમાં લેવાનો ટ્રેન્ડ આપણા સમાજને નુકસાન જ પહોંચાડશે. રાજીવ ગાંધીને એક શાનદાર અને યુવા પૂર્વ વડાપ્રધાન અને સાચા દૂરંદેશી ગણાવતા મનમોહનસિંહે જણાવ્યું કે, તેમણે સાચા અર્થમાં એક પ્રગતિશીલ, આધુનિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે નવી શતાબ્દીમાં પ્રવેશ કરવા માટે આપણા દેશને સુસજ્જ કરવાની દિશામાં પગલાં ભર્યાં હતાં. વૃદ્ધી અને વિકાસ માટે રાજીવ ગાંધીએ દેશને મજબૂત પ્લેટફોર્મ આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજીવગાંધીને શ્રદ્ધાંજલિ ફક્ત તેમના અસાધારણ વ્યક્તિત્વ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન માટે જ નહીં પણ આ મૂલ્યોનું પાલન કરવા માટે આપણી કટિબદ્ધતાની ફરી ચકાસણી કરીને તેને સ્થાપિત કરવાથી આપી શકાય. મનમોહનસિંહ ‘રાજીવ યૂથ ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા અને છેલ્લા એક દશકથી સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપનારી ટોચની હસ્તીઓ અને સંગઠનો માટે રાજીવ ગાંધી જન્મ પંચ સપ્તથી પુરસ્કાર આપ્યા હતા.
વધતી અસહિષ્ણુતાનું વલણ વિચલિત કરનાર : મનમોહનસિંહ

Recent Comments