(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે આજે ફરી વખત નોટબંધીની ટીકા કરી હતી અને જીએસટી લાગુ કરવાને સરકારનું ઉતાવળીયું પગલું ગણાવતા જણાવ્યું કે, બન્નેની અવળી અસર વૃદ્ધિદર ઉપર પડવાની જ છે. સિંઘે નોટબંધી વખતે પણ ચેતવણી આપી હતી જે સત્ય સાબિત થઈ છે અને વૃદ્ધિદરમાં ર ટકાનો ઘટાડો નોંધાયો છે. એમણે કહ્યું કે, ૮૬ ટકા ચલણી નોટો રદ કરવી અને ઉતાવળિયે જીએસટી લાગુ કરવાથી અસંગઠિત અને નાના ઉદ્યોગ ધંધાઓ, કારખાનાઓ ઉપર અવળી અસર થઈ છે જેનો ફાળો કુલ જીડીપીમાં ૪૦ ટકાથી વધુ છે. ૯૦ ટકા રોજગારી આ જ ક્ષેત્રોમાંથી પૂરી પાડવામાં આવે છે. જીએસટી લાગુ કરવા માટે ઘણી બધી ગૂંચવડો થવાની હતી જેને સરકારે ધ્યાનમાં લીધી ન હતી જે હવે બહાર આવી રહી છે. ગયા વર્ષે રપમી નવેમ્બરે સંસદમાં નોટબંધીની ટીકા કરતા જણાવ્યું હતું કે સરકારની બિનકાર્યક્ષમતા, સંગઠિત લૂંટ અને કાયદાકીય છેતરામણી પૂરવાર થશે જેનાથી જીડીપીમાં બે ટકાનો ઘટાડો થશે. મનમોહનસિંઘની આ વાત સાચી ઠરી છે અને જીડીપી ૭.૯ ટકાથી ઘટીને પ.૭ ટકા રહી છે. સરકારે પોતાના બચાવમાં કહ્યું હતું કે, જીએસટીનો અમલ થવાનો હતો એ માટે વેપારીઓએ સ્ટોકમાં ઘટાડો કર્યો હતો જેની અસર પ્રાથમિક ત્રણ મહિનામાં દેખાઈ છે. એપ્રિલ મહિનામાં જીએસટી બિલને સમર્થન આપતાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે કહ્યું હતું કે, આ ‘ગેમ ચેન્જર’ સાબિત થશે પણ એના અમલીકરણમાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે જે આજે બધાને દેખાઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં રિઝર્વ બેંકે જાહેરાત કરી હતી કે ૯૯ ટકાથી જૂની નોટો પાછી આવી છે જેનાથી સાબિત થાય છે કે સરકાર કાળાં નાણાં ડામવા સફળ થઈ નથી.