(એજન્સી) તા.૨૩
વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ. જનરલ મનોજ નરવાણેને હવે આર્મીના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. વર્તમાન આર્મી ચીફ જનરલ વિપીન રાવતનો કાર્યકાળ ૩૧ ડિસે. ૨૦૧૯ના રોજ સમાપ્ત થશે અને મનોજ નરવાણે તેમના અનુગામી બનશે.
એક બુક લોંચ ઇવેન્ટમાં હાજરી આપતાં તેમણે જણાવ્યું હતું કે ફિલ્મોમાં બતાવે છે તેમ ઇન્ટેલિજન્સની દુનિયા ગ્લેમરસ નથી હોતી. જેમ્સ બોંડ, બંદૂકો અને યુવતીઓ જેવું એમાં કંઇ નથી હોતું. તેમાં જ્હોન લે કારની જ્યોર્જ સ્માઇલી નોવેલ જેવું હોતું નથી. લેફ. જનરલ મનોજ નરવાણેેએ જણાવ્યું હતું કે મિલીટરી ઓપરેશન અને ઇન્ટેલિજન્સ એક સાથે ચાલે છે. અમારા ઓપરેશનનું બ્રિફીંગ હંમેશા ‘ખબર દુશ્મન કે બારેમે’થી શરુ થાય છે અને તેમાં એવા સમાચાર હોય છે જે અમારી ઇન્ટેલીજન્સ એજન્સીઓ દ્વારા મળે છે. હું દાવા સાથે એવું કહી શકું છું કે અમારૂં કોઇ પણ લશ્કરી ઓપરેશન ઇન્ટેલીજન્સ એજન્સી અને રો વગર સફળ થઇ શકે નહીં. આર્મી ઓપરેશન અને ઇન્ટેલિજન્સ રિપોર્ટ વચ્ચે નિકટનો સંબંધ હોય છે. ભારતીય સેનાઓ ઇન્ટેલીજન્સના આ યોગદાન માટે હંમેશા આભારી રહેશે. લેફ. જનરલ નારવાણેએ જણાવ્યું હતું કે જ્યારે ઇન્ટેલિજન્સની વાત આવે છે ત્યારે સામાન્યતઃ લોકોના મનમાં મશહૂર ફિલ્મના અભિનેતા જેમ્સ બોંડનો ખ્યાલ આવે છે પરંતુ વાસ્તવિક રીતે આવું બિલકુલ નથી હોતું. તેમને એવું લાગે છે કે ઇન્ટેલીજન્સમાં બંદૂક, યુવતીઓ, ગિટાર અને ગ્લેમર હશે પરંતુ વાસ્તવમાં ઇન્ટેલીજન્સનું વિશ્વ આવું બિલકુલ નથી.