અમદાવાદ, તા.૭
આમરણાંત ઉપવાસના ૧૪મા દિવસે હાર્દિકની મુલાકાત ખોડલધામના નરેશ પટેલે કરી હતી. જો કે, તેમની મુલાકાત બાદ પણ કોઈ સમાધાનની સ્થિતિ સામે આવી ન હતી ત્યારે એક તરફ હાર્દિક પટેલની સ્થિતિ કથળતા હોસ્પિટલમાં લઈ જવાયો છે જ્યારે બીજી તરફ હાર્દિક સહિત પાસના આગેવાનો અને કોંગ્રેસને આડેહાથ લેતા સૌરભ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે જ્યારે સૌરભ પટેલના નિવેદન સામે પાસના કન્વિનર મનોજ પનારાએ પણ પોતાની તીવ્ર પ્રતિક્રિયા આપતા રાજકીય અને ઉપવાસ આંદોલન એમ બંને ક્ષેત્રે જોરદાર ગરમાવો આવી ગયો છે. પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. નરેશ પટેલે હાર્દિકની મુલાકાત બાદ હોસ્પિટલમાં દાખલ તો થઈ ગયો છે, પરંતુ તેને લઈને ઉર્જામંત્રી સૌરભ પટેલે મોટું નિવેદન આપ્યું છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, હાર્દિક પટેલ સ્વૈચ્છિક રીતે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. પાટીદાર સંસ્થાઓ સાથે સરકારે અગાઉ ચર્ચા કરી છે. હાર્દિક પટેલ સહિત મનોજ પનારા અને પાસની ટીમે આજે ખોડલધામ નરેશ પટેલ અને સમાજના આગેવાનોનું અપમાન કર્યું છે. આ સિવાય ખોડલધામ નરેશ પટેલ અમને જે મળવાની વાત હતી તે સાવ ખોટી છે. નરેશ પટેલે અમને મળવાનો પ્રયત્ન કર્યો નથી. અમારી સરકારમાં તમામ સમાજ માટે સરકારના દરવાજા ખુલ્લા જ છે. પરંતુ કોંગ્રેસ જે રીતે લોકોને ભ્રમિત કરવાનું કામ કરી રહી છે તેમને મારે એક સવાલ પૂછવો છે કે, કોંગ્રેસે અનામત અંગે પોતાનું સ્પષ્ટ વલણ જાહેર કરવું જોઈએ. બીજી બાજુ સૌરભ પટેલના નિવેદન પર પાસના કન્વિનર મનોજ પનારાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મનોજ પનારાએ કહ્યું કે, સૌરભ પટેલ જે રીતે અમારા પર આરોપ લગાવી રહ્યા છે તેમને મારે એક સવાલ પૂછવો છે કે, કોણે કોનું અપમાન કર્યું તે ગુજરાતની જનતા જાણે છે. સરકારે કરોડો ખેડૂતોનું અપમાન કર્યું છે. પનારાએ વધુમાં કહ્યું કે, સરકાર સાથે અમે આવતીકાલે ૧૧ વાગ્યા સુધી ચર્ચા કરવા માટે તૈયાર છીએ. જો અમને સરકાર તરફથી વાતચીત કરવાનું આમંત્રણ મળશે તો અમે સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છીએ. પરંતુ હાલ સરકારના મંત્રીઓ જે રીતે ખોટા નિવેદનો કરી રહ્યા છે તેમને મારે કહેવાનું છે કે, તેઓ ખોટા આક્ષેપબાજી બંધ કરે.