(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૨
ભારત સાથે ન્યૂયોર્કમાં યોજાનારી મંત્રણા રદ થવા મુદ્દે રોષે ભરાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શનિવારે સીધા ભારતના પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. ભારત દ્વારા ચાલુ મહિને જ ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન પાકિસ્તાન સાથે બેઠક કરવાનો ઇન્કાર કર્યા બાદ ઇમરાન ખાને શનિવારે મોદી સરકાર વિરૂદ્ધ ટિ્વટ કર્યું હતું જેમાં તેમણે પીએમનું નામ લીધા વિના તેમના પર પ્રહારો કર્યા હતા. ઇમરાન ખાને લખ્યું હતું કે, શાંતિ મંત્રણા ફરી શરૂ કરવાના મારા આમંત્રણ અંગે ભારત દ્વારા અપાયેલી અહંકારી અને નકારાત્મક પ્રતિક્રિયાથી હું નિરાશ છું. જોકે, હું મારા સમગ્ર જીવનમાં એવા તુચ્છ લોકોને મળ્યો છું જેઓ મોટી ઓફિસોમાં ઊંચા હોદ્દાઓ પર કબજો જમાવીને બેઠા છે પણ તેમની પાસે લાંબુ જોવા માટે દૂરંદેશી વિચારધારાનો અભાવ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ પણ સુષમા સ્વરાજ અને તેમની વચ્ચે યોજાનારી મુલાકાત રદ થવાની વાતને નિરાશાજનક ગણાવી આરોપ લગાવ્યો છે કે, આંતરિક દબાણને કારણે દિલ્હી દુર્ભાગ્યપૂર્ણ પગલું ભરવા માટે મજબૂર થયું છે. ભારતે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પોલીસકર્મીઓની હત્યા અને કાશ્મીરી ઉગ્રવાદી બુરહાન વાનીની પ્રશંસા કરનારી ટપાલ ટિકિટ જારી કરવાને સુષમા સ્વરાજ અને કુરેશી વચ્ચેની બેઠક રદ થવા પાછળનું કારણ ગણાવ્યું હતું. બેઠક રદ થવા અંગેની જાહેરાત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, ઘટનાક્રમોથી ઇમરાન ખાનનો અસલી ચહેરો તથા વાતચીત પાછળ છૂપાયેલો ઇસ્લામાબાદનો ઇરાદો સામે આવી ગયો છે. દરમિયાન પાકિસ્તાનના માહિતી તથા પ્રસારણ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કહ્યું કે, અમારી સરકાર અને સેના એવા નજીકના નિર્ણય પર આવી ગયા હતા કે, જો ભારતીય સેના વાત કરવા તૈયાર ન થાય તો અમારા વડાપ્રધાન ભારતીય સમકક્ષને મંત્રણા માટે પત્ર લખશે. ઇમરાન ખાન જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી પાકિસ્તાન ભારત સાથે મંત્રણા માટે ગંભીર તથા સ્પષ્ટ હતું અને અમારી ગંભીરતા હવે વિશ્વની સામે આવી ગઇ છે અને ભારતે જે કર્યું તે પણ વિશ્વની સામે આવી ગયું છે.
BSF જવાનની હત્યામાં અમારો કોઇ હાથ નથી : પાકિસ્તાન
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
પાકિસ્તાને કહ્યું છે કે, ભારતનાના વિદેશ મંત્રીઓની મંત્રણા રદ કરવાના નિર્ણયથી તે નિરાશ છે. સાથે જ તેણે એમ પણ કહ્યું છે કે, તાજેતરમાં સરહદ પર થયેલી બીએસએફ જવાનની હત્યામાં તેનો કોઇ હાથ નથી. ન્યૂયોર્કમાં થનારી યુએન સામાન્ય સભાની બેઠકના સત્રથી ઇતર ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સુષમાં સ્વરાજ અને શાહ મહમૂદ કુરેશીની મુલાકાત યોજાવાની હતી. ભારતે મંત્રણા રદ કરવા પાછળ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરની સ્થિતિઓને જવાબદાર ગણાવી છે. પાકિસ્તાને કહ્યું છે કે, ભારતે મંત્રણા રદ કરીને શાંતિ વાર્તાની એક તક ગુમાવી દીધી છે. પાકિસ્તાને આ સાથે જ પોતાના નિવેદનમાં કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પાકિસ્તાન સરકાર તરફથી શુક્રવારે ભારત દ્વારા વાતચીત રદ કરવાના નિર્ણય બાદ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું હતું. પીટીઆઇના અધ્યક્ષ ઇમરાન ખાનના નેતૃત્વવાળી સરકારે કહ્યું કે, તાજેતરમાં થયેલી બીએસએફ જવાનની હત્યામાં પાકિસ્તાનનો કોઇ હાથ નથી. ભારત તરફથી ૨૪ કલાકમાં વિદેશ મંત્રીઓની બેઠક રદ કરવાનો નિર્ણય કરાયો અને તેની પાછળ જે કારણો દર્શાવાયા છે તે તાર્કિક નથી. નિવેદન અનુસાર જે થયું તે નિરાશાજનક છે. પાકિસ્તાન સરકાર તરફથી કહેવાયું છે કે, પાકિસ્તાન રેન્જર્સે બીએસએફને એ વાતની જાણકારી આપી દીધી છે કે, બીએસએફ જવાનની હત્યામાં તેની કોઇ ભૂમિકા નથી અને સેનાને પણ કોઇ લેવા-દેવા નથી. પાકિસ્તાને એમ પણ કહ્યું કે, બીએસએફ જવાનનો મૃતદેહ શોધવામાં પાકિસ્તાની રેન્જર્સે મદદ કરી હતી. પાકિસ્તાને સાથે જ એવું પણ કહ્યું છે કે, તેમ છતાં સંતોષ ના હોય તો પાકિસ્તાન સત્તાવાળા સંયુક્ત તપાસ માટે પણ તૈયાર છે.
Recent Comments