(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૬
ભારે વરસાદના કારણે સમગ્ર જૂનાગઢ અને ગીરસોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પાણીના કારણે તારાજી સર્જાઈ હતી જેમાં જુનાગઢથી ઉના સુધી ચાલતી લોકલ રેલવે ટ્રેનના ટ્રેકની આજુબાજુની સાઇડોમાં માટીનું ધોવાણ થઇ જતાં લોકલ ટ્રેન છેલ્લા બે માસથી બંધ પડેલ છે. જેના કારણે નિયમિત રીતે ટ્રેનની મુસાફરી કરતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ટ્રેન ચાલુ કરાવવા ઉના, ગીરગઢડા, તાલાળા, સાસણ, મેંદરડા, વિસાવદર સહિત ગામના આગેવાનો ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકીય આગેવાનો પશ્વિમ રેલવે ડિવિઝન ભાવનગરને રજૂઆત કરી હતી. જેનો રેલવે અધિકારીઓ દ્વારા કોઇ પ્રત્યુતર મળતો નથી કે ટ્રેન પણ શરૂ કરાતી નથી. અને સમગ્ર જિલ્લામાં ટ્રેન બાબતે રોષ ફેલાઇ રહ્યો છે. અધિકારી અને રાજકીય નેતાઓ ટ્રેન વહેલી તકે ચાલુ કરાવાની લોલીપોપ લોકોને આપે છે. પરંતુ આ સમગ્ર પ્રકરણમાં લશ્કર ક્યા લડે છે તેની વાસ્તિવક હકીકત શું છે ? તેની કોઇ પાસે મહિતી જ ન હોય તેમ જણાય છે.
દરમિયાન દેલવાડા-જૂનાગઢ લોકલ ટ્રેન ચાલુ ન કરવા પાછળનું કારણ શું છે ? તેનો પર્દાફાસ ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશે કર્યો છે. તમામ રેકર્ડ આધારિત ડોક્યુમેન્ટ જાહેર કરી નાયબ કલેક્ટર કચેરીમાં તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી સમક્ષ રજૂ કરતા એવું બહાર આવેલ કે વરસાદના કારણે ધોવાણ થયેલ રેલવે ટ્રેકની બંને સાઇડોમાં માટીના બુરાણ કરવાની જરૂરિયાત હોય અને આ કામગીરીનું તમામ અહેવાલ પશ્વિમ રેલવે ડિપાર્ટમેન્ટએ દિલ્હી ભારત સરકારના રેલ્વે મંત્રાલયને આપેલ. જેમાં જૂનાગઢથી દેલવાડા સુધી રેલવે વિભાગના કર્નવર્જન થકી રેલવે ક્રોસિંગના રસ્તાઓના બાંધકામ જાળવણી રેલવે સ્ટેશનના એપ્રોચ રસ્તાઓના બાંધકામ, રેલવે લાઇનમાં આવતા નાળા, ગટર લાઇનમાં સફાઇ કામો, હયાત રેલવે લાઇનના ઉપર ઉગેલા ઝાડ જાખરા દૂર કરી ટ્રેકની બંને સાઇડોના ધોવાણમાં માટી પુરાણના કામો કરવા માટે માલસામાન ખર્ચ રેલવે વિભાગ દ્વારા તેમજ મજૂરીનો ખર્ચ મનરેગા યોજના અંતર્ગત કરવાનો રહેશે. તેવો પરિપત્ર કમિશનર ગામ વિકાસની કચેરી ગાંધીનગરે જિલ્લા પ્રોગ્રામ એજન્સી તમામને પાઠવી દેવાયેલ છે. જેના કારણે મનરેગા કચેરી એ જેતે તાલુકામાં આવતી હોય તેણે તાંત્રિક મંજૂરી મેળવવા જિલ્લામાં પત્ર પાઠવેલા છે પરંતુ જિલ્લા કક્ષાની કચેરી દ્વારા આવી મંજૂરી અપાયેલ ન હોવાના કારણે રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રેન ચાલુ કરાતી નથી. છેલ્લા બે મહિનાથી સરકારી કચેરીઓમાં આ પરિપત્ર કાગળની ફાઇલોમાં પડેલા છે. આ બાબતે જે-તે અધિકારીઓ તાત્કાલિક ધોરણે ગ્રામપંચાયત દ્વારા મનરેગાના નિયમોને આધિન રહી માટી બુરાણના કામોની એજન્સીઓ નક્કી કરે તેવી માગણી ધારાસભ્યએ કરી છે.