માંગરોળ, તા.૧૦
ગઈ કાલે માંગરોળ અને ઉમરપાડામાં રાત્રી દરમિયાન ધોધમાર વ્યાપક વરસાદ પડતાં ઉમરપાડા તાલુકામાં એક બ્રિજ અને એક લો લેવલ બ્રિજ થતા માર્ગોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.
ઉમરપાડા તાલુકના ચન્દ્રપાડથી ગોકુલીયા ગામને જોડતો લો લેવલ બ્રિજની બંને સાઈડો અને બ્રિજનું અપ અને ડાઉન સાઈડનું વ્યાપક ધોવાણ થવા પામ્યું છે જ્યારે ઉમરપાડા તાલુકાના વેલાવી ગામેથી પસાર થતી નદી ઉપર જે બ્રિજ ચાલુ વર્ષે બનાવવવામાં આવ્યો હતો. જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ પુલ વ્યાપક વરસાદને પગલે આવેલ વરસાદી પાણીના પુરને પગલે સંપૂર્ણ ધોવાઈ જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બ્રિજ ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાની પ્રજા માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે. હાલમાં આ પુલ ઉપરથી સંપૂર્ણ વાહન વ્યવ્હાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેને પગલે આ બંને તાલુકાના ૪૦ ગામોની પ્રજા માટે એક મોટી મુશ્કેલી ઊભી થવા પામી છે. પ્રજાજનોનું કહેવું છે કે, હાલમાં જ લાખો રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ બન્યા પછી પ્રથમ ચોમાસામાં જ સમગ્ર ધોવાણ થતાં, આ બ્રિજનાં કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું પ્રજા માની રહી છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તાકીદે આ બંને બ્રિજોનું સમારકામ કરાવે જેથી વાહન વ્યવહાર શરૂ થઈ શકે.