(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
અમરોલી વિસ્તારમાં માનસરોવર ફ્‌લાય ઓવરબ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે. પરતું સુરત પાલિકા દ્વારા આ બ્રિજનું હજુ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી. જેથી કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા ચીમકી આપવામાં આવી છે કે, બ્રિજનું ઉદ્‌ઘાટન નહીં કરવામાં આવે તો સ્થાનિકો સાથે ૩૦ ડિસેમ્બરના રોજ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે. અમરોલી તરફના ભાગે તાપી નદી નજીકથી શરૂ થઈને માનસરોવર સર્કલ સુધી જતા ફ્‌લાય ઓવરબ્રિજની સંપૂર્ણ કામગીરી થઈ ચૂકી છે અને ઉદ્‌ઘાટનની રાહ જોવાઇ રહી છે. પાલિકા દ્વારા મોટામાથાના હસ્તે લોકાર્પણ કરવાની લ્હાયમાં લોકોને ટ્રાફિકમાં હેરાનગતિ થઈ રહી હોવાની ફરિયાદ ઉઠી છે. જેને પગલે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા ચીમકી આપવામાં આવી છે. સુરતના પ્રવેશદ્વાર સુરત-કડોદરા રોડ પરના પુણા પાટિયા ખાતે ફ્‌લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં એક તરફના ભાગે બ્રિજ તૈયાર છે. જેથી તે ભાગને વહેલામાં વહેલી તકે ખુલ્લો કરી દેવામાં આવે જેથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત થાય તે માટે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.