મુંબઇ, તા. ૧૧
મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો સાથે મારપીટ કરવા મામલે વિવાદમાં આવેલી રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરોનું ફરીવાર આવું કૃત્ય સામે આવ્યું છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ગરીબ ઉત્તર ભારતીયોને દોડાવીને માર્યા હતા જેનો વીડિયો વાઇરલ થયો હતો. મનસેએ રાજ્યના સાંગલીમાં ‘લાઠી ચલાવો ભૈયા હટાવો’ અભિયાન ચલાવ્યું છે. મનસેના કાર્યકરો હાથમાં લાકડીઓ લઇ માર્ગો પર ઉતર્યા હતા અને સામે જે પણ ઉત્તર ભારતીય આવે તેને બેરહેમીથી માર મારતા હતા. એટલે સુધી કે, ડંડા અને ગડદાપાટુનો પણ માર મારવામાં આવ્યો હતો. મનસેની આ ગુંડાગીરીનો વીડિયો સામે આવ્યો છે જેમાં પાર્ટીના કાર્યકરો બેરહેમીથી ઉત્તર ભારતીયોને માર મારતા જણાઇ રહ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ગુંડાગીરીને કારણે મજબૂર થઇ લોકો અહીંથી પલાયન કરવાનું વિચારી રહ્યા છે. લોકોને માર માર્યાનો વીડિયો સામે આવ્યા બાદ પણ ભાજપ તથા ફડનવીસ સરકાર મૌન છે અને ગુુંડાઓ સામે કોઇ કાર્યવાહી નથી થઇ. મનસેએ આરોપ લગાવ્યો હતો કે, સાંગલી ખાતેની એમઆઇડીસીમાં પરપ્રાંતિઓને નોકરી આપવામાં આવી રહી છે. તેમણે માગણી કરી હતી કે, અહીં ૮૦ ટકા નોકરીઓ ફક્ત અને ફક્ત મરાઠી લોકોને મળવી જોઇએ. આ ગુંડાગીરી સામે મહારાષ્ટ્રમાં રહેતા ઉત્તર ભારતીયોમાં રોષ ભભૂક્યો છે. મજબૂરીમાં કેટલાક ઉત્તર ભારતીયો પલાયન પણ કરવા લાગ્યા છે.