(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૧પ
અયોધ્યાના વિવાદિત બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિના સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ ગતરોજ ભરૂચ ખાતે એક વિવાદિત નિવેદનમાં “કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિના તરફેણમાં ચુકાદો આપવો પડ્યો” તેમ જણાવતા રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવા પામ્યો છે. અવારનવાર સરકાર વિરૂદ્ધ પ્રશાસન કે સરકારી અધિકારીઓ વિરૂદ્ધ બેફામ વિવાદિત નિવેદનો આપતા ભરૂચમાં ૬ ટર્મથી સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા મનસુખ વસાવાએ ગતરોજ સમી સાંજે રજપૂત છાત્રાલય ખાતે ભાજપ દ્વારા આયોજિત દિવાળી સ્નેહમિલન સમારંભના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના વખાણ કરતાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ તથા ૩પ-એ ભાજપ સરકારે હટાવી. દેશભરમાં એવી ચર્ચા વર્ષોથી હતી કે, આ કલમ હટાવાશે તો દેશ હચમચી જશે પણ કશું થયું ? પાકિસ્તાન કે અન્ય દેશોથી પણ કંઈ થયું ? આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિ છે. ઉત્સાહના અતિરેકમાં સાંસદ મનસુખ વસાવાએ દેશની સર્વોચ્ચ અદાલતની ગરીમાને પણ લાંછન લગાડતાં ઉપસ્થિત સૌ સ્તબ્ધ થઈ જવા પામ્યા હતા. અયોધ્યાના જે વિવાદિત ચુકાદા અંગે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી સુપ્રીમ કોર્ટે (રામ જન્મભૂમિ) આપણા હિતમાં ચુકાદો આપવો પડયો તેવું સનસનીખેજ નિવેદન આપતાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, સાંસદ મનસુખ વસાવાના આ વિવાદાસ્પદ નિવેદનના પગલે તેના પડઘા રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.