(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૧
ભરૂચના પોલીસ હેડકવાર્ટરની જમીન પર ૭ જેટલા આદિવાસી પરિવારને ઝૂંપડા ખાલી કરવા જિલ્લા પોલીસ તંત્રએ નોટિસ આપવા મામલે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા દ્વારા ભરૂચ પોલીસ વડા આદિવાસીઓના ઝૂંપડા ખાલી કરાવવા ધાક-ધમકી આપતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, પોલીસ વિભાગે આ ગંભીર આક્ષેપ સામે આ જગ્યા પોલીસ હેડકવાર્ટસની છે. આ લોકોએ ગેરકાયદેસર ઝૂંપડા બાંધીયા હોવાનો ખુલાસો કર્યો હતો. સાંસદ મનસુખભાઈ વસાવાએ પોસ્ટમાં લખ્યું હતું કે, પોલીસ હેડકવાર્ટર નજીક ૭ જેટલા આદિવાસી પરિવારો પ૦ વર્ષથી રહે છે. આ પરિવારોને હવે જિલ્લા પોલીસવડા અને ભરૂચ બી-ડિવિઝનના પોલીસ અધિકારીઓ દ્વારા ધાક-ધમકીઓ આપી ઝૂંપડા ખાલી કરવા માટે કહી રહ્યા છે. આ ગરીબ આદિવાસી પરિવારોને જીવન નિવાહ માટે વૈકલ્પિક જગ્યા ફાળવણી કર્યા વિના જ ઝૂંપડાઓ ખાલી કરવા દબાણ કરે છે તે નિંદનીય છે. આ માટે જિલ્લા કલેકટરને આદિવાસી પ્રતિનિધિમંડળ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવશે. લડત લડવામાં આવશે. તેવી પોસ્ટ મૂકતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. સાંસદે પોલીસ અધિકારીઓ ધાક-ધમકી આપતા હોવાના ગંભીર આક્ષેપો કરતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ત્યાં જ આ મામલે આજે ભરૂચ જિલ્લા પોલીસ તંત્રએ પણ ખુલાસો કરવાની ફરજ પડી હતી. પોલીસ વડા તરફથી એક પ્રેસનોટ થકી જાહેર ખુલાસો કર્યો હતો કે આ જમીન પર ઝૂંપડા છે તે સિટી સર્વેની માપણી અનુસાર સરકારી પોલીસ હેડકવાર્ટસની જગ્યા છે. પોલીસ હેડકવાર્ટસ ખાતે અતિસંવેદનશીલ શસ્ત્ર સરંજામ રાખવામાં આવતો હોવાને કારણે પોલીસ હેડકવાર્ટર ફરતે કમ્પાઉન્ડ હોલ બનાવવાની કામગીરી ચાલુ છે. કોઈકને અન્યાય ન થાય તે હેતુસર સરકારની જમીનમાં રહેતા પરિવારોને જગ્યા ખાલી કરવા સારી નોટિસો આપી પૂરતો સમય આપવામાં આવેલ છે. આ પરિવારો પાસે રહેઠાણ જગ્યાના કબજાના કોઈ જ આધાર પુરાવાઓ નથી. આ પરિવારોમાં કેટલાક નિવૃત્ત પોલીસ કર્મચારીના પરિવાર છે. આ પરિવારો પાસે રહેઠાણની વૈકલ્પિક વ્યવસ્થા છે. જેથી સાંસદ સભ્યને આ પરિવારો તરફથી થયેલ રજૂઆતો અતિશ્યોક્તિવાળી અને ખોટી છે. તેવા પોલીસ વડાની પ્રેસનોટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો. હવે જોવાનું રહ્યું કે, આગામી દિવસોમાં સાંસદ સભ્ય મનસુખ વસાવા શું કરે છે. આ પોલીસના ખુલાસા બાદ સાંસદ સભ્ય મનસુખ વસાવા શું પગલાં ભરશે તેના પર સૌની મીટ મંડાઈ છે.