(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
નવી દિલ્હીમાં સોમવારે વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ સાથેની મુલાકાત બાદ સીએમ એચ.ડી.કુમારસ્વામીએ જણાવ્યું કે મંત્રાલયોની વહેંચણી અંગે કોંગ્રેસ અને જેડી(એસ) વચ્ચેના મતભેદો દૂર થયા છે. આજે રાત્રે અથવા કાલે સવાર સુધીમાં મંત્રાલયોની વહેંચણીનું કામ પૂરું થશે. કોંગ્રેસ નેતાઓ આ મુદ્દે રાહુલ ગાંધી સાથે વાતચીત કરશે અને તેમનો નિર્ણય જણાવશે. સીએમે જણાવ્યું કે, અમારી સરકાર કોઈ પણ મુશ્કેલી વગર પાંચ વર્ષ પૂર્ણ કરશે. કોંગ્રેસ અને જેડીએસ બન્ને સાથે મળીને મંત્રાલયોની વહેંચણી કરશે તેમજ બન્ને પક્ષો રાજ્યને એક સ્થિર સરકાર આપવા પ્રતિબદ્ધ છે. અમારા પક્ષને પૂર્ણ બહુમતી ના મળી હોવાથી હું વિકાસના કાર્યો માટે કોંગ્રેસ પર નિર્ભર છું. આ નિવેદનને રાજકીય રંગ આપવાની જરૂર નથી.