(એજન્સી) તા. ૧૮
છત્તીસગઢની રાજનીતિમાં એક વગદાર બાબા અને કોંગ્રેસ ધારાસભ્ય વચ્ચે થયેલી કથિત વાતચીતની ઓડિયોના કારણે તોફાન મચી ગયુ છે. આ ઓડિયોના કારણે ભાજપ પર કોંગ્રેસ નેતાઓને તોડવાનો આક્ષેપ લાગી રહ્યો છે. આ ઓડિયો રેકોર્ડિંગ રાજ્યના ગૃહમંત્રી રામસેવક પેકેરાના ડાયાબિટિસનો ઈલાજ કરવાવાળા કંબલ બાબા અને કોંગ્રેસના ધારાસભ્ય ચિંતામણી વચ્ચે થયેથી વાતચીત છે જેમાં કંબલ બાબા લુંદ્રાથી કોંગ્રેસના ધારાસભ્ય ચિંતામણી મહારાજને ભાજપમાં સામેલ થવાની ઓફર કરે છે. આ માટે તેમને મંત્રીપદની પણ લાલચ આપવામાં આવે છે. આ ઓડિયો ટેપમાં બાબા કહે છે કે છત્તીસગઢ કોંગ્રેસના પૂર્વ કાર્યકારી સદસ્ય રામદયાળ ઉઈકેએ દસ કરોડ રૂપિયા અને મંત્રી પદ મેળવવાના આશ્વાસન સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ અંતમાં બાબાની બધી જ લાલચો સાંભળ્યા પછી ચિંતામણી મહારાજે કહ્યું હતું કે તે કોંગ્રેસની સાથે વિશ્વાસઘાત નહીં કરે. કોંગ્રેસે આ ઓડિયો ટેપ મુદ્દે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું તેમજ ચૂંટણીપંચમાં પણ ફરિયાદ કરી હતી.