અમદાવાદ, તા.૨
ગુજરાત સરકારના તમામ મંત્રીઓ અને સંયુકત સચિવથી ઉપરની કક્ષાના તમામ અધિકારીઓ દ્વારા સ્થાનિક તેમ જ વિદેશ પ્રવાસની વિગતો ઓફિશીયલ વેબસાઇટ પર જાહેર કરવા દાદ માંગતી જાહેરહિતની રિટ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થઇ છે. જેમાં હાઇકોર્ટે રાજય સરકારને આ મામલે જરૂરી સૂચના સંબંધિત વિભાગમાંથી મેળવી અદાલતને જાણ કરવા મૌખિક નિર્દેશ કર્યો હતો, જયારે આ કેસમાં ભારત સરકારને પણ પ્રતિવાદી પક્ષકાર તરીકે જોડવા અરજદાર સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવને નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૨૩મી ઓગસ્ટે રાખી હતી. અરજદાર ચંદ્ર્‌વદન ધ્રુવ દ્વારા કરાયેલી પીઆઇએલમાં એવો મુદ્દો ઉઠાવાયો હતો કે, ભારત સરકારના પર્સોનલ અને ટ્રેનીંગ ડિપાર્ટમેન્ટ, નવી દિલ્હી દ્વારા તા.૧૧-૯-૨૦૧૨ના ઓફિસ મેમોરેન્ડમ મુજબ, દેશના તમામ મંત્રીઓ અને સંયુકત નિયામકથી ઉપરની કક્ષાના તમામ અધિકારીઓના સ્થાનિક તેમ જ વિદેશ પ્રવાસની વિગતો ઓફિશીયલ વેબસાઇટ પર જારી કરવા સ્પષ્ટ તાકીદ કરાઇ છે પરંતુ આ ઓફિસ મેમોરેન્ડમનું પાલન કરાતું જ નથી. કેન્દ્ર સરકારે દરેક રાજયોને તેના પાલન માટેની લેખિત જાણ કરી હોવાછતાં તેની અમલવારી થતી નથી. અરજદારે આ મેમોરેન્ડમના પાલનના ભાગરૂપે ગુજરાત રાજયના તમામ મંત્રીઓ અને સંયુકત સચિવથી ઉપરની કક્ષાના અધિકારીઓના સ્થાનિક તેમજ વિદેશ પ્રવાસની વિગતો ઓફિશીયલ વેબસાઇટ પર જાહેર કરવા બાબતે રાજયપાલ સહિતના સંબંધિત સત્તાવાળાઓને તા.૩૦-૫-૨૦૧૭ના રોજ લખ્યો હતો પરંતુ હજુ સુધી અરજદારને પત્રનો કોઇ જવાબ અપાયો નથી કે તેમણે માંગેલી માહિતી રાજય સરકાર દ્વારા ઓફિશીયલ વેબસાઇટ પર જાહેર કરાઇ નથી. આ સંજોગોમાં હાઇકોર્ટે રાજય સરકારના તમામ મંત્રીઓ અને સંયુકત સચિવથી ઉપરની કક્ષાના અધિકારીઓના સ્થાનિક તેમજ વિદેશ પ્રવાસની તા.૧-૧-૨૦૧૨થી અત્યારસુધી વિગતો વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવા સરકારને હુકમ કરવો જોઇએ. અરજદારપક્ષની દલીલો ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે ઉપરમુજબ નિર્દેશ કર્યો હતો.