(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
કોંગ્રેસે લોકસભા ચૂંટણીઓ માટે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઉમેદવારોની અન્ય એક યાદી જારી કરી છે. કોંગ્રેસે વધુ ૩૧ ઉમેવારોની યાદી જારી કરતા પક્ષ દ્વારા અત્યાર સુધી કુલ ૨૯૩ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. વર્તમાન યાદીમાં કોંગ્રેસે રાજસ્થાનના બાડમેર સંસદીય મતવિસ્તારમાંથી ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંતસિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને ઉમેદવાર બનાવ્યા છે. માનવેન્દ્રસિંહ ગયા વર્ષે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને ૨૦૧૮માં રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડી હતી. જોકે, વસુંધરા રાજે સામે માનવેન્દ્રસિંહનો પરાજય થયો હતો. કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલી ઉમેદવારોની લેટેસ્ટ યાદીમાં ઉત્તર પ્રદેશના છ ઉમેદવારોના નામ સામેલ છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનમાં સામેલ થયા વગર એકલા હાથે ચૂંટણી લડવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે. ઉત્તર પ્રદેશના સંભલ, ઝાંસી, શાહજહાંપુર, ફુલપુર, મહારાજગંજ અને દેવરિયાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંંટણીઓમાં કોંગ્રેસના પરફોર્મન્સમાં સુધારો થયો હતો. કોંગ્રેસમાં વધુ ૧૯ ધારાસભ્યોનો ઉમેરો થયો હતો.