(એજન્સી) કોલમ્બો, તા.ર
ચીન અને બુરૂન્ડી બાદ શ્રીલંકાના વડાપ્રધાન તરીકે મહિન્દ્રા રાજપક્ષેને માન્યતા આપનાર પાકિસ્તાન ત્રીજો દેશ બન્યો હતો. વડાપ્રધાન પદે પસંદગી બાદથી રાજપક્ષેનો રાજકીય વિરોધ થઈ રહ્યો છે.
રાનીલ વિક્રમસિંઘને બરતરફ કરી રાષ્ટ્રપતિ મેથ્રીપાલા સીરીસેનાએ વિવાદાસ્પદ રીતે રાજપક્ષેની વડાપ્રધાન પદે નિમણૂક કરતાં, પાકિસ્તાન રાજદૂત શાહીદ એહમત હસમતે તેમની મુલાકાત કરી હતી. પાકિસ્તાનના રાજદૂતે એક યાદીમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનને શ્રીલંકાની લોકશાહી પ્રણાલીમાં વિશ્વાસ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, શ્રીલંકામાં જારી રાજકીય વિવાદનો શાંતિપૂર્ણ અને બંધારણના નિયમો તથા શ્રીલંકાના લોકોની અપેક્ષા મુજબ ઉકેલ આવશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિશ્વના એવા પહેલા નેતા હતા જેમણે રાજપક્ષેને શ્રીલંકાના વડાપ્રધાન તરીકે માન્યતા આપી હતી.
સીરીસેનાએ આગામી સોમવારે સંસદનું સત્ર બોલાવવાની મંજૂરી આપી હતી. આ અગાઉ વિક્રમસિંઘેએ પોતાની બહુમતી પુરવાર કરવા સંસદનું તાકીદનું સત્ર યોજવાની માંગ કરી હતી.