(એજન્સી) તા.ર૭
તાજેતરમાં માનવ સંસાધન મંત્રાલય(એચઆરડી) દેશભરમાં સંચાલિત મદ્રેસાઓની શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે આ કામગીરી સ્કિમ ટૂ પ્રોવાઇડ એજ્યુકેશન ઇન મદ્રેસા (એસપીક્યૂઇએમ) યોજના હેઠળ કરવામાં આવી રહી છે. જોકે હવે આ યોજના હેઠળ તમામ મદ્રેસાઓમાં ફરજીયાત કરી દેવામાં આવ્યુંં છે કે તેઓ કાં તો મદ્રેસા બોર્ડ સાથે જોડાઇ જાય કાં તો રાજ્યના શૈક્ષણિક બોર્ડ સાથે જોડાઇ જાય. મંત્રાલયે એવી જોગવાઇ પણ કરી છે કે જો મદ્રેસા આ બોર્ડ સાથે જોડાશે તો જ તેમને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવણી કરાતા ફંડની રકમ મળશે. માનવ સંસાધન મંત્રાલયના સૂત્રોએ જણાવ્યુંં હતુંં કે રાજ્ય સરકારો તરફથી આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને તે તેમના બજેટને અનુરૂપ પણ છે કે જેથી કરીને મદ્રેસાની શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરીને તેને વધુ આગળ લઇ જવામાં આવે. સૂત્રોએ જણાવ્યુંં હતુંં કે એસપીક્યૂઇએમનો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે મદ્રેસામાં ભણતાં બાળકોને પણ ગુણવત્તાસભર શિક્ષણ મળી શકે અને તેમને દીની તાલીમ સાથે સાથે રાષ્ટ્રીય સ્તરનો અભ્યાસ કરવાની તક પણ મળે. એટલા માટે જ સરકાર હવે મદ્રેસા બોર્ડ કે રાજ્યના શિક્ષણ બોર્ડ સાથે મદ્રેસાઓને જોડવાની તૈયારી કરી રહી છે. જોકે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કહ્યું હતુંં કે એસપીક્યુઇએમ યોજના ખરેખર તો સ્વૈચ્છિક યોજના છે અને એવા મદ્રેસાઓ પર જ લાગુ પડશે જે તેમના વિદ્યાર્થીઓને મોડર્ન શિક્ષણ આપવા માગે છે. જોકે આ યોજના હેઠળ તમામ પ્રકારના મદ્રેસાઓએ કોઇપણ પ્રકારના સરકારી માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક બોર્ડ સાથે જોડાવું પડશે જેમ કે સીબીએસઇ, મદરેસા બોર્ડ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલીંગ(એનઆઈઓએસ) સાથે જોડાવું પડશે. એચઆરડી મંત્રાલયના સંયુક્ત સચિવ મનીષ ગર્ગે કહ્યું હતુંં કે મદ્રેસાઓ દ્વારા કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ સાથે જોડાવાથી બાળકોનો વિકાસ થશે અને તેઓ ઉચ્ચ શિક્ષણ સુધી સરળતાથી પહોંચી શકે અને તેમને સરકાર તરફથી ફંડ પણ મળશે. મદ્રેસાથી મજબૂતાઇ વધારવા અને ક્ષમતા વધારવા માટે પ લાખની જોગવાઇ કરાઈ છે. મનીષ ગર્ગે કહ્યું કે ઉચ્ચ શિક્ષણમાં આવતી તકલીફોને જોતાં આ આ પગલું ભરાયું છે. આ મદ્રેસાઓમાં જારી ફંડને લઇને પણ જવાબદારી વધશે. ગર્ગે કહ્યું કે આ નિર્ણય તમામ મદ્રેસાઓ પર લાગુ નહીં પડે. જે મદ્રેસા એસપીક્યૂઇએમ હેઠળ કેન્દ્રની મદદ ઇચ્છે છે તેમના પર જ આ નિર્ણય લાગુ પડશે.