(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
સમાજસેવી અન્ના હજારએ કહ્યું કે વર્ષ ૨૦૧૧ માં ભ્રષ્ટાચારની સામે મારા આંદોલન પછી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવી તેને સાથે મારો કોઈ સંબંધ રહ્યો નથી. પરંતુ હવે હું આશા રાખુ છું કે ૨૦૧૮ ના મારા આંદોલનમાંથી બીજો કોઈ કેજરીવાર પેદા નહીં થાય. તેમણેે કહ્યું કે ૨૦૧૮ માં હું ફરી એક વાર આંદોલન શરૂ કરવા જઈ રહ્યો છું ત્યારે આશા છે કે કેજરીવાલ પેદા નહીં થાય. સાથે હજારએ જનલોકપાલ બીલમાં નિષ્ફળ રહેનાર કોંગ્રેસ અને ભાજપ બન્નેને જવાબદાર ઠેરવ્યાં. અહિં પત્રકારો સાથેની વાતચીતમાં હજારેએ કહ્યું કે૨૩ માર્ચ ૨૦૧૮ ના રોજ તેઓ દિલ્હીના રામલીલા મેદામાં ત્રણ સૂત્રિય આંદોલનની શરૂઆત કરશે. તેમણે કહ્યું કે તેમાં લોકપાલની નિયુક્તી, ખેડૂતોની સમસ્યા,અને ચૂંટણી સુધારા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે જનતાને અબજોપતિઓની સરકાર જોઈતી નથી. ન ત મોદી કે ન તો રાહુલ, અમારે તો એવી સરકાર જોઈએ છે જે ખેડૂતોના હિત માટે કામ કરતી હોય. અન્નાએ કહ્યું કે હવે જે પણ કાર્યકરો આંદોલન દરમિયાન મળશે તેઓ સ્ટેમ્પ પેપર પર લખીને આપશે કે તેઓ કોઈ પાર્ટી નહી બનાવે. સાથે તેમણે ઘોષણા કરી કે હું કોઈ પાર્ટીનું સમર્થન નહીં કરૂ કે કોઈ પાર્ટીની ટિકિટ પરથી કોઈને ચૂંટણી લડાવીશ પણ નહીં. જીએસટી અને નોટબંધી પર તેમણે કહ્યું કે સરકારનું કહેવું છે કે બેન્કોમાં ૯૯ ટકા પૈસા જમા થયાં છે તો કાળુ નાણું ક્યાં ગયું. તેમણે મોદી સરકાર પર હુમલો કરતાં કહ્યું કે મોદીએ કહ્યું ૩૦ દિવસની અંદર કાળુ નાણું દેશમાં આવી જશે અને દરેક વ્યક્તિના ખાતામાં ૧૫-૧૫ લાખ રૂપિયા જમા કરાવવામાં આવશે. પરંતુ હજુ સુધી કોઈના પણ ખાતામાં આ રૂપિયા આવ્યાં નથી.