(એજન્સી) મુંબઈ, તા.ર૬
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પિંજર ગામના મોહમ્મદ આરિફે હિન્દુમાંથી મુસ્લિમ બનેલી યુવતી સાથે કરેલા લગ્નના વિવાદ બાદ યુવતીએ આપેલા નિવેદનને પગલે અંતિમવાદીઓ મેલીમુરાદનો પર્દાફાશ થયો હતો.
મોનિકા ઈન્ગ્લેમાંથી ઈસ્લામ અંગીકાર કરી આયત નામ ધારણ કરનારી યુવતીએ જણાવ્યું હતું કે, મેં મારા મુસ્લિમ મંગેતર સાથે મારી મરજીથી લગ્ન કર્યા છે. અમારી પર કોઈપણ જાતનું દબાણ ન હતું. મારા માતા-પિતા મને પાછી બોલાવવા માટે દબાણ કરી રહ્યા છે પણ હું મારા પતિ સાથે રહેવા ઈચ્છું છું. મારા માતા-પિતા તથા અમુક સંગઠનો અમારા લગ્નને ‘લવજેહાદ’નું નામ આપી લોકોથી લાગણીઓ ઉશ્કેરવા માંગે છે.
યુવતીના માતા-પિતાની હાજરીમાં પોલીસ દ્વારા વોટ્‌સએપ પર વીડિયો કોલ દ્વારા અપાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, યુવતી ગર્ભવતી છે અને પોતાના પતિ સાથે રહેવા માંગે છે. આ યુગલે જણાવ્યું હતું કે, અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે. બજરંગ દળ તથા પોલીસ અધિકારીઓ દ્વારા અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેઓ આ લગ્નને ‘લવજેહાદ’માં ખપાવવા માટે દબાણ કરી રહ્યા છે. મુહમ્મદ આરિફની મહારાષ્ટ્ર પોલીસમાં નિમણૂક થઈ છે અને તે ટૂંક સમયમાં નોકરી જોઈન્ટ કરનાર છે. આ યુગલે હાઈકોર્ટ પાસે રક્ષણની માગણી કરી છે. ન્યાયમૂર્તિ વસંતી નાયક અને ન્યાયમૂર્તિ એમ.જી.ગિરાટકની દંડપીઠ સમક્ષ પોલીસ અધિકારીઓએ નિવેદન નોંધાવ્યું હતું. આયત પણ ટૂંક સમયમાં પોલીસ દળમાં જોડાનાર છે. પોલીસ ટ્રેનિંગ દરમ્યાન બંનેની મુલાકાત થઈ હતી અને પ્રેમ પાંગરયો હતો ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.