(એજન્સી) મુંબઈ, તા.૮
કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાના એક દિવસ બાદ મણિશંકર ઐયરે આજે કહ્યું હતું કે, તેમના નીચ આદમી સૂચનના કારણે ગુજરાત ચૂંટણીમાં જો પાર્ટીને નુકસાન થશે તો કોઇપણ પ્રકારની સજા સ્વીકારવા અને ભોગવવા માટે તેઓ તૈયાર રહેશે. ઐયરે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ તેમને ઘણંુ બધું આપ્યું છે. આ પાર્ટી વગર ભારતનું કોઇ ભવિષ્ય ન હતું. ભારત-પાકિસ્તાન સેમિનારના ભાગરૂપે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે જે કંઇપણ નિવેદન કરવામાં આવ્યું છે તેના કારણે જો નુકસાન થશે તો તેમને દુઃખ થશે અને આના માટે સજા ભોગવવા માટે પણ તૈયાર રહેશે. તેમણે કહ્યું હતું કે, ઓર અગર પાર્ટી કો ઇલેક્શન મેં કુછ ભી નુકસાન હોતા હૈ તો જો ભી ઉચિત દંડ કોંગ્રેસ પાર્ટી દેના ચાહે વો દે સકતી હૈ. તમામ સજા સ્વીકારવા માટે તેઓ તૈયાર છે. પાર્ટી નેતાએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની લીડરશીપમાં શાનદાર કામ કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે, કોંગ્રેસ પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરશે. કોંગ્રેસે ગઇકાલે મોડી રાત્રે જ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી ઐયરને સસ્પેન્ડ કરી દીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ આદમી તરીકેના શબ્દોનો ઉપયોગ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. મણિશંકર ઐયરના નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટીમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ડેમેજ કન્ટ્રોલ કવાયતના ભાગરૂપે તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી અને મણિશંકર ઐયરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. શનિવારે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે જ્યારે ૧૪મી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. ઐયરે આજે દાવા સાથે કહ્યું હતું કે, આ વખતે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં શાનદાર દેખાવ કરશે. બીઆર આંબેડકરના નામે મત માંગવા કોંગ્રેસ પાર્ટી ઉપર મોદીએ આક્ષેપ કર્યા બાદ ઐયરે આ પ્રકારનું નિવેદન કર્યું હતું પરંતુ ઐયરે ખોટુ નિવેદન કરી દીધું હતું. આખરે મણિશંકર ઐયરને પણ શરતી માફી માંગવાની ફરજ પડી હતી. રાહુલ ગાંધીએ માફી માંગવા કહ્યું હતું. આખરે મણિશંકર ઐયરને ગઇકાલે રાત્રે જ સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઐયર નીચ જેવા શબ્દનો ઉપયોગ કરીને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ભાજપે ચૂંટણી સમયે આ શબ્દોનો ઉપયોગ સતત કરવા કમરકસી લીધી છે. મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન આજે સતત મણિશંકર ઐયરના મામલાને ઉઠાવ્યો હતો. મણિશંકર ઐયરના મામલે વિવાદ યથાવત રીતે હાલ જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. ભાજપ આ મુદ્દે ચૂંટણીને વધુ ગરમ બનાવવા તૈયાર છે.