રાજસમંદ, તા. ૮
રાજસ્થાન પોલીસે ગુરૂવારે એક મુસ્લિમની ઘાતકી રીતે હત્યા કરનારાને ઝડપી પાડ્યો છે જ્યાં એક વીડિયો ક્લિપની શ્રેણીમાં તે તેની હત્યા કરતો અને તેને જીવતો બાળી નાખતો દેખાઇ રહ્યો છે અને જિહાદીને ભારત છોડવા નહીં તો આવા જ પરિણામ ભોગવવાની ધમકી આપી રહ્યો છે. આરોપી શંભૂલાલ રાયગરે પોલીસને જણાવ્યંુ હતું કે, તે ૫૦ વર્ષના અફરાજુલ પાસેથી એક હિંદુ મહિલાને તેના ચુંગાલમાંથી બચાવવાના પ્રયાસો કરી રહ્યો છે. આ ઘટના અંગે રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ તપાસના આદેશ આપ્યા હતા જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગૃહમંત્રી અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેના રાજીનામાની માગણી કરી છે.
અફરાજુલ ઇસ્લામની પત્ની ગુલબહાર બીબીએ જણાવ્યું હતું કે, બુધવારે અમને જાણવા મળ્યું કે, તેમની હત્યા કરી દેવામાં આવી છે. મને પૂરો વિશ્વાસ છે કે, તેમનો કોઇની સાથે કોઇ પ્રેમ સંબંધ નહોતો મારી માગ છે કે, અપરાધીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે. અફરાજુલની પુત્રી રેજિના ખાતુને કહ્યું કે, સરકારે મારા પિતાના હત્યારાને ફાંસી આપી દેવી જોઇએ જો તેમ ન કરી શકે તો શું તેઓ મારા પિતાને પાછા લાવી આપશે ખરી ? અફરાજુલની પત્નીએ કહ્યું કે, હવે હું નથી જાણતી કે, પુત્રીના લગ્ન માટે નાણા કેવી રીતે કમાવીશ તેના લગ્ન કેટલાક મહિના પહેલાજ નક્કી થઇ ગયા છે. અફરાજુલ ઇસ્લામ છેલ્લા ૧૨ વર્ષથી રાજસ્થાનમાં કામ કરી રહ્યો હતો. દરમિયાન રાજસ્થાન પોલીસ મહાનિર્દેશક ઓપી મલ્હોત્રાએ કહ્યું છે કે, સરકારી વકીલ તરફથી ઠંડા કલેજે હત્યા અને પૂર્વઆયોજિત હત્યા બદલ અપરાધી માટે મોતની સજાની માગણી કરાશે જેમાં તેમણે આ ઘટનાને દુર્લભ હત્યા ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, કોઇ સામાન્ય વ્યક્તિ આવી ઘાતકી હત્યા ન કરી શકે આ તો ફક્ત કોઇ પાગલ જ કરી શકે છે.