(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૨૬
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાનખાન પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે જ્યારે તેમની પૂર્વ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે તેમના વિજયને વધાવી જણાવ્યું હતું કે, આ દૃઢ નિશ્ચયમાં અવિશ્વસનીય પાઠ ભણવા સમાન છે. એક ટિ્‌વટમાં તેમણે ૧૯૯૨નો વિશ્વકપ જીત્યા બાદ ઇમરાન ખાને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ કેવી રીતે કેવી રીતે પાકિસ્તાનના રાજકારણમાં જંપલાવી ૧૯૯૬માં તેહરીકે ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ બન્યા તે અંગે જણાવ્યું હતું. તેમણે લખ્યું કે, ‘અપમાન, અડચણો અને કુરબાનીના ૨૨ વર્ષ પછી મારા પુત્રોના પિતા પાકિસ્તાનના આગામી વડાપ્રધાન છે. આ દૃઢતા, વિશ્વાસ અને હાર નહીં માનવાનો પાઠ છે. હવે પડકાર એ વાત રાખવાનો છે કે, તેઓ શું વિચારીને રાજકારણમાં આવ્યા હતા. ઇમરાનને ખૂબ અભિનંદન.’ જેમિમાએ આ પહેલા ૧૯૯૭ની ચૂંટણીઓને યાદ કરતા લખ્યું કે,ત્યારે ઇમરાન આદર્શવાદી અને રાજનીતિમાં નવા હતા. ચૂંટણીમાં જેમિમા પોતાના ત્રણ વર્ષના પુત્ર સુલેમાનને લઇ દેશભરમાં ફરી હતી. જેમિમાએ લખ્યું કે, લાહોરમાં ઇમરાનના ફોનની રાહ જોઇ રહી હતી કેતરત તેમણે ફોન કર્યો અને કહ્યું કે, આ ક્લિન સ્વીપ હતી. ઇમરાને થોડીવાર રોકાઇને કહ્યું કે, આ મારી વિરૂદ્ધ ક્લિન સ્વીપ હતી. પેટાચૂંટણીઓમાં ઇમરાનની પાર્ટી હારી ગઇ હતી અને તેમને એક પણ સીટ મળી નહોતી. ઇમરાન ખાન અને બ્રિટિશ ટીવી, ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી પ્રોડ્યુસર, પત્રકાર તથા કેમ્પેનર જેમિમાએ પેરિસમાં ૧૯૯૫માં લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૦૪માં બંનેએ જાહેરાત કરી કે, તેઓ રાજીખુશીથી છૂટાછેડા લઇ રહ્યા છે કારણ કે, જેમિમા માટે પાકિસ્તાનમાં ઇમરાનના રાજકીય જીવનને સ્વીકારવું મુશ્કેલ હતું જે બાદ બંનેએ નવ વર્ષના લગ્નજીવનનો અંત લાવ્યો હતો. બાદમાં જેમિમા તેમના બંને પુત્રો સુલેમાન ઇસા ખાન અને કાસિમખાન સાથે બ્રિટન પરત ફરી હતી.