(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
એમ.એસ.યુનિવર્સિટીમાં આગામી ૨૪ ઓગસ્ટે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજનાર છે ત્યારે આજે ચૂંટણી પ્રચાર દરમિયાન વિદ્યાર્થી વિકાસ સંગઠન અને એનએસયુઆઇના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. આ સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે સામસામે ગુનો નોંધી ૬ વિદ્યાર્થીઓની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એનએસયુઆઇ, એબીવીપી અને જય હો ગૃપના ઉમેદવારો જાહેર થઇ ચૂક્યા છે. તેની સાથે ચૂંટણી પ્રચારમાં પણ ગરમાવો આવી ગયો છે. જોકે એનએસયુઆઇ અને એબીવીપી વચ્ચે સીધો જંગ જોવા મળશે, ત્યારે એનએસયુઆઇને સત્તાથી દૂર રાખવા માટે અન્ય ગૃપો મેદાને પડ્યા છે. દરમિયાન આજે ચૂંટણી પ્રચાર નીકળેલા એનએસયુઆઇ અને વિદ્યાર્થી વિકાસ સંગઠન એક જ ફેકલ્ટીમાં આમને-સામને આવી ગયા હતા. ચૂંટણી પ્રચારને લઇને બંને ગૃપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. અને કાર્યકરો મારામારી પર ઉતરી આવ્યા હતા. આ બનાવને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં વિજીલન્સની ટીમ અને પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે બંને ગૃપોના ૬ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી અને તેઓને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. કેમ્પસમાં પોલીસની દરમિયાનગીરીને પગલે વિદ્યાર્થી નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. એનએસયુઆઇના અગ્રણીઓએ પોલીસ ચોક્કસ એક ગૃપના ઇશારે કામ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં ચૂંટણીના પગલે બીજી વખત મારારમારીનો બનાવ બન્યો છે. આવનારા દિવસોમાં એમ.એસ.યુનિવર્સિટી સમરાંગણમાં ફેરવાઇ જાય તેવા એંધાણ વર્તાઇ રહૃાા છે. વિદ્યાર્થીઓનાં બે જૂથ વચ્ચે મારામારીનાં બનાવને પગલે યુનિ. કેમ્પસમાં પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.