(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨
કોર્પોરેશન માટે એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાટ સર્જાયો છે. નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સાફસફાઇ પૂર્ણ થઇ ત્યાં નવી સમસ્યા ઉભી થઇ છે. હવે પ્લાન્ટ નં.૩માં દિવાલ (ફિલ્ટર બેડ)માં મોટા બાકોરા હોવાનું જણાઇ આવ્યું છે. જેથી તેના મરામતની કામગીરી હાથ ધરવા પ્લાન્ટમાં પંપ ઉતારી હજારો લીટર પાણી બહાર કાઢી તેના મરામતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનના નિમેટા ફિલ્ટરેશન પ્લાન્ટમાં અનેક ખામી હોવાના કારણે શહેરના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં ડહોળુ પાણી આવવાની ગંભીર સમસ્યા ઉભી થઇ હતી. જેમાં પાલિકાએ નિમેટાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નં.૩માં મરામતની કામગીરી હાથ ધરી હતી. અહીંના વાલ્વમાં લિકેજ હોવાથી રોજનું ૭૦ લાખ લીટર પાણી વેડફાઇ જતું હતું. જેમાં તેની મરામતની પ્રક્રિયા પાલિકાએ કરી હતી. ત્યારે હવે આ પ્લાન્ટમાં બનાવવામાં આવેલી દિવાલ (ફિલ્ટર બેડ) હલકી કક્ષાની હોવાથી તેમાં બાકારો પડી ગયો હોવાનું જણાઇ આવ્યું હતું. આ સાથે આજવાનું પાણી બાકોરામાંથી વેડફાઇ થઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે. પાલિકાએ હવે બાકોરોના મરામતની કામગીરી હાથ ધરવી પડશે. ૨૦ હોર્સ પાવરના બે અને દસ હોર્સ પાવરનો એક મળી કુલ ત્રણ પંપ ફિલ્ટરેશન પ્લાન્ટમાં ઉતારી તેનું પાણી ઉલેચી પ્લાન્ટ ખાલી કરાશે અને તે બહાર ઢોળી ત્યાર પછી દિવાલની મરામતનું કામ હાથ ધરાશે ત્યારે વર્ષ ૨૦૦૯માં ઇજારદારે બનાવેલ આ પ્લાન્ટ હલકી કક્ષાનો હોવાના આક્ષેપ શરૂ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે નિમેટાના પ્લાન્ટમાં મરામતની કામગીરી હાથ ધરાઇ હતી ત્યારે કમિશ્નર, મેયર સહિતના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. પરંતુ આજે બાકોરાની પરિસ્થિતિ બહાર આવી છે ત્યારે તેની તપાસ માટે હજુ કોઇ ફરકયું નથી.