(એજન્સી) મુંબઇ, તા. ૨૪
સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માગ સાથે મરાઠા સમાજે મહારાષ્ટાારના વિવિધ શહેરો તથા ગામડાઓને આંદોલનની ઝપટમા લીધા છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ઉઠેલી મરાઠા અનામતની આગ હવે મુંબઇ સુધી પહોંચી રહી છે. મરાઠા ક્રાંતિ સમાજે બુધવારે થાણે, નવી મુંબઇ અને રાયગઢમાં બંધનું એલાન આપ્યું છે. સંગઠન અનુસાર આ બંધમાં શાળા અને કોલેજોનેસામેલ કરવામાં નહીં આવે. સોમવારે એક દેખાવકારે ઔરંગાબાદમાં નદીમાં જંપલાવી આત્મહત્યા કરી હતી. મંગળવારે મરાઠા ક્રાંતિ મોરચાએ મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી હતી જેની વ્યાપક અસર જોવા મળી હતી. આ બંધને કમનસીબ ગણાવતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે શાંતિ જાળવવાની અપીલ કરતા કહ્યું હતું કે, સરકાર આ અંગે ગંભીર છે. દેખાવો દરમિયાન ઔરેંગાબાદમાં બે ફાયરબ્રિગેડના વાહનોને આગને હવાલે કરાયા હતા જ્યારે ઔરંગાબાદમાં સમગ્ર દિવસ દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ હતી.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. ઔરંગાબાદમાં એક યુવક દ્વારા આત્મહત્યાને પગલે મંગળવારે મહારાષ્ટ્ર ક્રાંતિ મોરચાએ રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું હતું જેમાં યુવકે મરાઠા સમાજ માટે અનામતની માગ કરી હતી. ઔંરંગાબાદમાં દેખાવકારોએ ફાયરબ્રિગેડના વાહનોને સળગાવી દીધા હતા. ઓસ્માનાબાદમાં સરકારી કચેરીઓ આગળ ટાયરો સળગાવી વિરોધ કરાયો હતો અને પરભણી જિલ્લામાં ટ્રેનોને રોકવામાં આવી હતી. અહમદનગર જિલ્લામાં સાંગલી અને શિરડીમાં પણ જોરદાર દેખાવો થયા હતા.
૨. સોમવારે ૨૮ વર્ષના ખેડૂતના મોત વિરૂદ્ધ દેખાવો કરવા મરાઠા ક્રાંતિ મોરચાએ રાજ્યવ્યાપી બંધ બોલાવ્યો હતો અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ માફી માગે તેવી માગ કરી હતી.
૩. દેખાવોમાં ભાગ લઇ રહેલા યુવક કાકાસાહેબ શિંદેએ ગોદાવરી નદીમાં જંપલાવ્યું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો.
૪. દેખાવો દરમિયાન ત્રણ અન્ય યુવકો દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાતા દેખાવો વધુ ઉગ્ર બન્યા હતા. આમાંથી બે યુવકોએ નદીમાં જંપલાવ્યું હતું અને એકે ઝેર પીધું હતું આ ત્રણેય હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
૫. મરાઠા જૂથના અનામત સમર્થક સંગઠનના કોઓર્ડિનેટર રવિન્દ્ર પાટિલે કહ્યું હતું કે, જ્યાં સુધી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ મરાઠા સમાજની માફી નહીં માગે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. આજે અમે ઔરંગાબાદમાં બંધ પાળ્યું છે અને આ આંદોલન સમગ્ર રાજ્યમાં પ્રસરશે.
૬. કેટલાક મરાઠા ગ્રૂપ આ આંદોલનને મુંબઇ લઇ જવાની યોજના બનાવે છે. મરાઠા ક્રાંતિ મોરચાએ સોમવારે દેવેન્દ્ર ફડનવીસ માફી માગે તેવી માગ કરી હતી સાથે જ આરોપ મુક્યો હતો કે, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેમની અસાઢી એકાદશી પર સોલાપુરના પંઢરપુરની મુલાકાત દરમિયાન મરાઠા સમાજના કેટલાક લોકો હિંસા કરવાની ફિરાકમાં છે.
૭. મુખ્યમંત્રીએ કાર્યક્રમ દરમિયાન મરાઠા સંગઠનો દ્વારા દેખાવોની ધમકી મુદ્દે રવિવારે પોતાની આ મુલાકાત રદ કરી હતી.
૮. છેલ્લા કેટલાક દિવસથી દેખાવો બુલધાના, અકોલા, પરાલી, વાસિમ અને મુંબઇમાં પણ પ્રસર્યા છે.
૯. રાજ્યની વસ્તીમાં આશરે ૩૦ ટકા સંખ્યા ધરાવતા રાજકીય રીતે સક્ષમ મરાઠા સમાજ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત માટે આંદોલન કરી રહ્યું છે.
૧૦. પોતાની માગોને દર્શાવવા માટે આ સમાજના નેતાઓએ વિવિદ જિલ્લાઓમાં કેટલાક સમયથી રેલીઓ આયોજિત કરવાનું શરૂ કર્યું હતું. ગયા વર્ષે મુંબઇમાં મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા આયોજિત મહારેલી પણ યોજાઇ હતી. તે સમયે પણ દેશની આર્થિક રાજધાની ઠપ્પ થઇ ગઇ હતી.
હિંસાને પગલે રાજ ઠાકરેએ મરાઠવાડાનો પ્રવાસ ટૂંકાવ્યો
મહારાષ્ટ્ર ક્રાંતિ મોરચા દ્વારા મંગળવારે અપાયેલા રાજ્યવ્યાપી બંધ દરમિયાન મોટાપાયે હિંસા થઇ હતી. આંદોલન દરમિયાન ઘણા ભાગોમાં હિંસા પ્રસરી હતી અને સરકારી વાહનો તથા ફાયરબ્રિગેડની ગાડીઓ ફૂંકાઇ હતી. શિવસેનાના મંત્રી પર પણ દેખાવકારોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે દ્વારા પોતાના મરાઠવાડાના પ્રવાસને ટૂંકાવ્યો હતો. પોલીસ આંદોલનની વ્યવસ્થામાં હોવાને કારણે મંગળવારે સવારે મરાઠવાડા જિલ્લાની મુલાકાતે જનારા રાજ ઠાકરેએ અંતે પ્રવાસ ટૂંકાવી ઔરંગાબાદ પરત ફર્યા હતા.
Recent Comments