(એજન્સી) તા.૧૫
પછાત વર્ગ પંચે મરાઠાઓને ૧૬ ટકા અનામત આપવાની ભલામણ કરી છે. સૂત્રો મુજબ પંચે બંધ કવરમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, રાજ્યમાં ૩૦ ટકાની વસતી ધરાવતાં મરાઠાઓ છે. એવામાં તેમને સરકારી નોકરીમાં અનામત આપવાની જરૂર છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર મરાઠાઓને અનામત આપવાને લઈને ઘણાં સમયથી માગણી કરવામાં આવી રહી હતી. પછાત વર્ગના પંચે આ મામલે હવે સરકારને સીલ બંધ કવરમાં પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. પંચે કહ્યું કે, જે રાજ્યમાં ૩૦ ટકા વસતી મરાઠાની હોય ત્યાં ૧૬ ટકા અનામત આપવી જોઇએ. તેની સાથે એમ પણ કહ્યું કે, મરાઠાઓને અનામત આપવા દરમિયાન ઓબીસી કોટામાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ. જો આ અનામત પર મોહર લાગશે તો તમામ શ્રેણીઓને મિલાવીને રાજ્યમાં કુલ ૬૮ ટકા અનામત થઈ જશે. હાલ રાજ્યમાં અલગ અલગ વર્ગને મિલાવીને ૫૨ ટકા અનામત છે. મહારાષ્ટ્ર સરકારે જૂન ૨૦૧૭માં પછાત વર્ગ પંચને મરાઠા અનામતના મુદ્દાઓ પર સર્વેક્ષણ કરવા કહ્યું હતું. ગત ૧૫ મહિનામાં પંચે મહારાષ્ટ્રના અનેક ભાગોની મુલાકાત લીધી. આ દરમિયાન પંચે બે લાખ મરાઠા સમુદાયના સભ્યોની ફરિયાદ સાંભળી. આ દરમિયાન પંચે ૨૫ હજાર પરિવારોનો સરવે કર્યો. આંદોલનકારીઓના એક ભાગે ગત ગુરૂવારે રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત પણ કરી હતી. આ પક્ષ મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણી લડશે. નવા પક્ષનું નામ મહારાષ્ટ્ર ક્રાંતિ સેના રખાયું છે જેનું નેતૃત્વ સુરેશ પાટિલ કરશે. તેમણે દાવો કર્યો હતો કે તે મરાઠા અનામત સંઘર્ષ સમિતિ સાથે ગત ૧૦ વર્ષથી કામ કરી રહ્યાં છે. સુરેશ પાટીલે કહ્યું હતું કે, તેમણે અને તેમના સમર્થકોએ ઐતિહાસિક રાયરેશ્વર મંદિરમાં નવા રાજકીય પક્ષ બનાવવા અને સમુદાય માટે કામ કરવાનો સંકલ્પ લીધો હતો.